ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં રૂ.1.48 કરોડની સનસનીખેજ લૂંટ, જાણો કોણે અને શા માટે આચર્યો ગુનો

Text To Speech
રાજકોટમાં શનિવારે સાંજે બજરંગવાડી વિસ્તારમાં રૂ.1.48 કરોડની લૂંટની ઘટના સામે આવી હતી. આ સનસનીખેજ ઘટનાને એક યુવતી અને તેના પિતા તથા સગીરવયના દીકરાએ અંજામ આપ્યો હતો. બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીની કલાકોમાં યુવતીને દબોચી લીધી હતી. જ્યારે કે દીકરા અને પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
કોણ હતું ભોગ બનનાર ? શું હતો સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એટલે કે TBZ નામની જાણીતી સોના ચાંદીના દાગીનાની પેઢીમાં કામ કરતો સેલ્સમેન વિશાલભાઈ શનિવારે શહેરના જામનગર રોડ ઉપર બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કીસ બાનુના ઘરે રૂ.1.48 કરોડની કિંમતના સોના તથા રીયલ ડાયમંડના દાગીના લઈ બતાવવા માટે ગયા હતા. સાંજે વિશાલભાઈ ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર બિલકીસે એક જ સેકન્ડમાં વિશાલભાઈના હાથમાંથી દાગીનાનું બોક્સ ઝૂંટવી લીધું અને ત્યાંથી કાળા કલરની કારમાં ભાગી ગઈ હતી.
લૂંટ થતાં જ વિશાલભાઈએ શો રૂમમાં જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી
લૂંટનો ગુનો બનતા જ ઘટનાસ્થળે દેકારો મચી ગયો હતો પરિણામે સ્થાનિકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને વિશાલભાઈએ તુરંત જ બનાવ અંગે શો રૂમમાં જાણ કર્યા બાદ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર ઘટના અંગે પોલીસને વાકેફ કરતા ફરીયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહિલા આરોપી બિલ્કીસ બાનુ
બિલકિસને જેલમાં સજા ભોગવતા પતિને છોડાવો હતો
ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા જ પોલીસે આરોપી બિલકીસ સહિતનાઓની શોધખોળ શરૂ કરી હતી દરમ્યાન પીઆઈ જી.એમ હડીયા તથા એલસીબી ઝોન 1ની ટીમે ગણતરીની કલાકોમાં બિલકીસની ધરપકડ કરી લીધી હતી. આ અંગે રાજકોટ પશ્ચિમના ACP પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે, આરોપી બિલ્કીસનો પતિ હત્યાના ગુનામાં જેલમાં હોય ફરિયાદીને રૂપિયા આપી સમાધાન કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ ઉપરાંત બિસ્કીલના સોનાના દાગીના વેચાય જતા તે પણ ફરી ખરીદવા લૂંટનું કાવતરું ઘડ્યું હતું. જેમાં બિલ્કીસના પિતા અને તેના સગીર વયના પુત્રએ પણ સાથ આપ્યો હતો. હાલ આ બન્ને ફરાર છે.
બિલ્કીસ TBZમાંથી ઘરેણા ખરીદતી હોવાથી કર્મચારીને વિશ્વાસ હતો
વધુમાં ACP પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે, મહિલા આરોપી બિલ્કીસ બાનું ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી શો-રૂમમાંથી ઘરેણાં ખરીદતી હોવાથી તે રેગ્યુલર ગ્રાહક હોવાથી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં ગઇકાલે સાંજે સોનુ લેવા માટે શો-રૂમમાં સંપર્ક કરી વીડિયો કોલ કરી ઘરેણાં પસંદ કર્યા હતા. જે ઘરેણાં સાથે કર્મચારીને ઘરે બોલાવ્યો હતો. કર્મચારી પહોંચતાની સાથે જ તેમની પાસેથી ઘરેણાનું બોક્સ મેળવી કેટલાક ઘરેણા અલગ અલગ કરી બાદમાં એક બોક્સમાં લેવા હોય તેવા ઘરેણાં અલગ કરી પાછળના રૂમમાં જઇ તેના સગીર પુત્રને આપી દીધા હતા. જે ઘરેણા સંતાડી દઈ શો-રૂમના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી.
પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ કબ્જે કર્યો
પોલીસે કેટલો મુદ્દામાલ રિકવર કર્યો ?
શનિવારે થયેલી લૂંટની સનસનીખેજ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી બિલકીસને ઝડપી લીધી છે ત્યારે પોલીસે લૂંટમાં ગયેલ પેન્ડલ બુટી સહિતના સોનાના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાની 4 વીટી સહિત કુલ વજન 1807.980 ગ્રામ જેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વીટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટનું વજન 357.720 ગ્રામ અને તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત 1,48,43,282 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
બિલકિસનો આખો પરિવાર ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બિલકિસનો આખો પરિવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી બિલ્કીસ બાનુ ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો બિલ્કીસ બાનુ અગાઉ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુનામાં સંડોવણી સામે આવી છે. જ્યારે તેનો સગીર વયનો પુત્ર કે જેમના ઉપર પણ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે તેનો પતિ હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો છે.
Back to top button