9 મે, મુંબઈ: ગયા વર્ષના ઓક્શન સમયે જ રોહિત શર્માને બદલે જ્યારે હાર્દિક પંડ્યાને અચાનક જ ગુજરાતમાંથી લઇ લેવામાં આવ્યો અને તેને કપ્તાની પણ આપી દેવામાં આવી ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સિઝન સારી નથી રહેવાની. તાજા સમાચાર એવા છે કે હાર્દિકની કપ્તાનીથી ટીમના સિનિયર્સ બિલકુલ ખુશ નથી.
ગઈકાલે સન રાઈઝર્સ હૈદરાબાદની લખનૌ સુપર જાયન્ટ્સ સામેની જીત બાદ મુંબઈ ઇન્ડિયન્સ ઓફિશિયલી આ ટુર્નામેન્ટની બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. અત્યાર સુધી આ ટીમે 12માંથી ફક્ત 4 મેચો જ જીતી છે અને ટીમના સિનિયર્સ હાર્દિકથી ખુશ નથી એટલુંજ નહીં પરંતુ તેમને ટીમના ભવિષ્યની પણ ચિંતા હોવાનું બહાર આવ્યું છે.
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના મેનેજમેન્ટ દ્વારા ટીમના તમામ ખેલાડીઓ સાથે રૂબરૂમાં વ્યક્તિગતરૂપે વાતચીત કરીને તેમનું ફિડબેક લેવામાં આવ્યું હતું. આ રિપોર્ટ અનુસાર ટીમના કેટલાંક સિનીયર ખેલાડીઓએ હાર્દિકની કપ્તાનીથી તેઓ કેમ ખુશ નથી તે અંગે જણાવ્યું હતું અને તેની કપ્તાની કરવાની સ્ટાઈલ વિશે પણ પોતાનો અસંતોષ જાહેર કર્યો હતો.
આ ખેલાડીઓને ચિંતા હતી કે પંડ્યાની કપ્તાની કરવાની સ્ટાઈલથી આ વર્ષે જે રીતે ટીમના પ્રદર્શન પર અસર પડી છે ભવિષ્યમાં પણ કાંઇક આવું ન થાય. આ સિનીયર ખેલાડીઓમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને સૂર્ય કુમાર યાદવ પ્રમુખ છે.
આ અખબારે ટીમ મેનેજમેન્ટ સાથે સંલગ્ન એવા અધિકારીને ટાંકીને દાવો કર્યો હતો કે તેણે એ વાત સ્વીકારી હતી કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં હાર્દિકની કપ્તાની વિશે બધું સારું તો નથી જ ચાલી રહ્યું. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે આવું દરેક સ્પોર્ટ્સ ટીમમાં થતું હોય છે ખાસ કરીને ત્યારે જ્યારે ટીમનો કેપ્ટન બદલવામાં આવે.
હાર્દિક પંડ્યા આ સિઝનમાં કેપ્ટન તરીકે તો નિષ્ફળ રહ્યો છે પરંતુ તેની ઓલરાઉન્ડર તરીકેની ઓળખ પણ ભયમાં આવી ગઈ છે. પંડ્યાએ આ સિઝનની 12 મેચોમાં ફક્ત 198 રન બનાવ્યા છે અને તેમાંથી એક પણ હાફ સેન્ચુરી નથી. તો બોલિંગમાં પણ પંડ્યા સાવ નિષ્ફળ જ રહ્યો છે. 12 મેચોમાં તેણે 11 વિકેટો લીધી છે. ફક્ત સન રાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેણે 3 વિકેટો લીધી હતી.
મુંબઈ ઇન્ડિયન્સને હવે 11મીએ કોલકાતા નાઈટ રાઈડર્સ અને 17મી મે એ લખનૌ સુપર જાયન્ટ્સ સામે મેચ રમવાની છે.