ગુજરાત સરકારમાં કોંગ્રેસ વિપક્ષ બને તો વિરોધપક્ષના આ નેતા થયા ફાઇનલ
ગુજરાતમાં જંગી બહુમતી સાથે ભાજપને જીત મળી છે. તેવામાં વિપક્ષ કોણ હશે તેના પર સૌની નજર રહેલી છે. કારણ કે 2022ની વિધાસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. આમ છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિપક્ષનું ગઠન થશે તેવા સંકેત આપ્યા હતા. હવે કોંગ્રેસ વિપક્ષ નેતા કોણ હશે? તેનુ મનોમંથન કરી રહી છે. અંતે કોંગ્રેસ સિનિયર નેતા અને ધારાસભ્ય સી.જે ચાવડાને વિપક્ષ નેતા તરીકેની જાહેરાત કરે તેવી માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો: પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે
વિપક્ષમાં કોંગ્રેસ બેસે – સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના રેકોર્ડ બ્રેક પરિણામો આવ્યા હતા. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં નિવેદન કર્યું હતું કે, વિપક્ષ તરીકે પસંદગી કરવાની હોય તો તેઓ વિપક્ષમાં કોંગ્રેસ બેસે તેમ ઈચ્છશે. કોંગ્રેસના સિનિયર નેતાઓની વાત આવે તેમાં સી.જે.ચાવડાનું નામ મોખરે આવે છે. કારણ કે સી.જે.ચાવડા વહીવટી રીતે કુશળ છે. તેઓ ડે. કલેકટર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગત વિધાનસભામાં દંડક તરીકેની ફરજ પણ નિભાવી હતી. ચાવડા સ્વભાવે સરળ છે. જેથી તેઓ તમામને સાથે લઈને ચાલે તેમ છે. અત્યાર સુધીમાં તેઓ કોઈ વિવાદમાં સપડાયા નથી.
જાણો કોંગ્રેસના સી.જે.ચાવડા વિશે
રાજકારણમાં પ્રવેશતા પહેલાં સી.જે.ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી.જે. ચાવડાની કાર્યશૈલી જોઈને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. આમ, એક વહીવટીય અધિકારીની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.
આ પણ વાંચો: જાણો કેમ 156 બેઠક જીતનાર ભાજપ સરકારે માત્ર 16 મંત્રી બનાવ્યા
સી.જે ચાવડાની રાજકીય સફર
સી.જે ચાવડાની રાજકીય સફરની વાત કરીએ તો, વર્ષ 2002ની ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના વાડીભાઈ પટેલને 20,025 મતથી હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના શંભુજી ઠાકોર સામે 3748 મતથી હાર થઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં સી.જે. ચાવડા કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના અશોક પટેલ સામે 4774 મતના માર્જીનથી જીત મેળવી હતી.
સત્તા પક્ષ લોકશાહી ટકી રહે તે માટે વિપક્ષનું ગઠન થાય તેવી ઈચ્છા ધરાવી
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સીજે ચાવડા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં 5,57,014 મતના માર્જીનથી તેમની હાર થઈ હતી. જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા, જ્યાં ભાજપના રમણ પટેલને 7053 મતથી હરાવી ફરીથી ચૂંટાયા છે. વિધાનસભામાં વિપક્ષ પક્ષ બનાવવા માટે કુલ વિધાનસભા સીટના 10 ટકા સભ્યનું સંખ્યાબળ હોવું જરૂરી છે. જો કે વિધાનસભામાં વિપક્ષ માટે 18 ધારાસભ્ય હોવા જરૂરી છે. કોંગ્રેસ પાસે 17 ધારાસભ્ય છે. આમ છતાં સત્તા પક્ષ લોકશાહી ટકી રહે તે માટે વિપક્ષનું ગઠન થાય તેવી ઈચ્છા ધરાવી છે. આમ વિપક્ષ નેતા કોણ બનશે? તેને લઈને ચર્ચા છે.