સિનિયર-ક્લાસમેટ 29 કલાક સુધી વિદ્યાર્થીને ટોર્ચર કરતા રહ્યા, આત્મહત્યા કેસમાં CBIનો મોટો ખુલાસો
વાયનાડ (કેરળ), 07 એપ્રિલ: કેરળમાં વેટરનરી કોલેજના 20 વર્ષીય વિદ્યાર્થી જેએસ સિદ્ધાર્થના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના મામલામાં CBIએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. કેન્દ્રીય એજન્સીએ આ મામલામાં 20 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ પછી તપાસમાં સામે આવ્યું છે કે આત્મહત્યા પહેલા વિદ્યાર્થીને 29 કલાક સુધી ટોર્ચર કરવામાં આવ્યો હતો. આ કારણથી લાગણી દુભાતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. મામલો વેગ પકડ્યા બાદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સીબીઆઈ તપાસની ખાતરી આપી હતી. આ પછી રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. આ મામલે ડાબેરી વિદ્યાર્થીઓની સંડોવણીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.
ડાબેરી વિદ્યાર્થીઓ પર રેગિંગનો આરોપ હતો
કેરળના વાયનાડમાં એક વેટરનરી કોલેજના વિદ્યાર્થીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયા બાદ પોલીસે તેને આત્મહત્યા હોવાનો દાવો કર્યો હતો. ડાબેરી વિદ્યાર્થી નેતાઓ પર વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક શોષણ કરીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. છાત્રની લાશ હોસ્ટેલના બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. બાદમાં, શાળા પ્રશાસને રેગિંગના આરોપી 12 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી અને તેમને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધા.
આ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી
વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં CBIએ 20 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. CBIએ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાના ચાર નેતાઓ, યુનિયનના પ્રમુખ અરુણ કે, એસએફઆઈ યુનિટના સેક્રેટરી અમલ ઈહસાન અને યુનિટના સભ્યો આસિફ ખાન અને અભિષેક એસને આરોપી તરીકે નામ આપ્યા છે. અત્યાર સુધીના તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. CBIએ ગુનાહિત ષડયંત્ર, આત્મહત્યા માટે ઉશ્કેરણી, માનસિક અને શારીરિક ત્રાસ અને કેરળ પ્રોહિબિશન ઓફ એન્ટી-રેગિંગ એક્ટ સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ચોંકાવનારો ખુલાસો: નારાજ પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરી અને પછી કરી આત્મહત્યા