સંતાનોને કેનેડા મોકલી રહ્યા છો? આ જોખમ સામે રહેજો સાવધાન નહીં તો…
ગુજરાત, 31 ઓગસ્ટ, 2024: ગુજરાત અને પંજાબ જેવા ભારતનાં અમુક રાજ્યોમાં સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવાનો રીતસર એક પ્રકારનો ક્રેઝ હોય છે. ખાસ કરીને શહેરોમાં પ્રત્યેક દસમા પરિવારના સંતાન અભ્યાસ માટે કાંતો વિદેશમાં હોય છે અથવા જવાની તૈયારી કરી રહ્યા હોય છે. આમ તો આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને સંતાનો ઘણેખરે અંશે વિદેશમાં જ સ્થાયી થઈ જતા હોવાને કારણે સમય જતાં સ્વદેશમાં તેમના પરિવાર આર્થિક રીતે સધ્ધર થવા લાગે છે. જોકે કેટલાક કિસ્સામાં અવળું પરિણામ પણ આવે છે. પરિવારો વિખેરાઈ જવાના કિસ્સા પણ બને છે. આ બધા ઉપરાંત હવે પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને કેનેડામાં એક અસાધારણ જોખમ ઊભું થઈ રહ્યું છે. આ એવું જોખમ છે જેના વિશે કદાચ ભારતમાં વાલીઓને જાણકારી નથી અને જોખમોનો અંદાજ પણ નથી.
વાસ્તવમાં કેનેડાની એક મહિલા દ્વારા બે દિવસ પહેલાં જ આ અંગે એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો. એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વાનકુવરના વિવિધ મીડિયામાં તેનો અહેવાલ પ્રસારિત થતાં જ કેનેડામાં રાજકીય તોફાન શરૂ થઈ ગયું છે. વિપક્ષોએ કેનેડિયન સરકારના આવા બેજવાબદાર પગલાં સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. મીડિયા અને વિપક્ષોના ઊહાપોહ બાદ કેનેડિયન રાજ્ય બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ આ બાબતની તપાસનો આદેશ આપ્યો છે.
જૂઓ વીડિયોઃ
ભારતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જતા વિદ્યાર્થીઓ ક્યાંક નશાખોરીમાં તો સપડાઈ રહ્યા નથી ને? કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાન્તની એક મહિલાએ હોસ્પિટલની બહાર મૂકાયેલા વેન્ડિંગ મશીન દ્વારા ઉપલબ્ધ નશાની સામગ્રીનો કર્યો પર્દાફાશ.#HDNews #HumDekhengeNews #Canada pic.twitter.com/s2jKQCSYIk
— Hum Dekhenge News (@humdekhengenews) August 31, 2024
ભારતીય વિદ્યાર્થીઓ સહિત કેનેડાના વિદ્યાર્થીઓ, યુવા પેઢી માટે શું જોખમ ઊભું થઈ રહ્યું છે?
ગુજરાતના, ભારતના તેમજ કેનેડાના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જે જોખમ ઊભું થયું છે તે છે નશાખોરીમાં ધકેલાઈ જવાનું. બન્યું છે એવું કે બ્રિટિશ કોલંબિયા રાજ્યની નેનિમો હોસ્પિટલની બહાર એક વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે જેમાંથી કોઇપણ વ્યક્તિ આવીને કોકેઇનની પાઇપ અને કોકેઇન સુંઘવાની કિટ તદ્દન મફતમાં લઈ જઈ શકે છે.
આ જોખમને પારખી જનાર એક જાગ્રત મહિલાએ જાતે કોકેઇન પાઇપ અને કોકેઇન સુંઘવાની કિટ લેવાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો જેને પગલે બ્રિટિશ કોલંબિયાના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. બ્રિટિશ કોલંબિયાના કન્ઝર્વેટિવ પક્ષના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને હોસ્પિટલની બહાર મૂકવામાં આવેલું આવું વેન્ડિંગ મશીન તત્કાળ દૂર કરવા માગણી કરી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ વિપક્ષો ઉપરાંત વેનકુવરના નાગરિકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. હોસ્પિટલના આ પગલાંને કારણે કોઇપણ વ્યક્તિ, ખાસ કરીને વિદ્યાર્થીઓ નશાખોરીમાં ધકેલાઈ જાય એવું જોખમ ઊભું થઈ ગયું છે.
આઘાતજનક વાત એ છે કે, હોસ્પિટલ બીમારોની સારવાર માટે હોય છે, પરંતુ તેના દરવાજે જ એક એવું વેન્ડિંગ મશીન મૂકી દેવામાં આવ્યું છે જેમાંથી કોઇપણ વ્યક્તિ ગમે તે સમયે નશાખોરીની સામગ્રી મેળવી લઈ શકે છે અને તેના માટે એક પણ પેની કે ડૉલર ચૂકવવાનો હોતો નથી.
વળી વીડિયો જોયા બાદ એવું સ્પષ્ટ થાય છે કે, એના કરતાં પણ વધારે આઘાતજનક બાબત એ છે કે, કોકેઇન કેવી રીતે સુંઘવું અને પાઇપનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે માર્ગદર્શન પણ આ વેન્ડિંગ મશીન ઉપર આપવામાં આવ્યું છે.
વિપક્ષોના હુમલા બાદ બ્રિટિશ કોલંબિયા (બી.સી.)ના પ્રીમિયર ડેવિડ એબીએ સંબંધિત હોસ્પિટલની બહાર વેન્ડિંગ મશીન અંગે સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
B.C. Premier David Eby has ordered a review into a vending machine outside a Nanaimo hospital that dispenses crack pipes and cocaine-snorting kits.https://t.co/VwTBwwuzGD
— CHEK News (@CHEK_News) August 28, 2024
આ પણ વાંચોઃ ગુજરાતમાં મહિલા સુરક્ષાની સ્થિતિ શું છે? કોલકાતા ઘટના પછી આપણે કોઈ બોધપાઠ લીધો?