ગુજરાતમાંથી ઝડપાતા દારૂને બંધી વગરના રાજ્યોને વેંચો : પૂર્વ MLA વસોયાનો CM ને પત્ર
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વર્ષે કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાય છે. ત્યારે આ બિયરનો જથ્થો નાશ કરવામાં આવે છે. તેમના બદલે દારૂબંધી ન હોય તેવા રાજ્યની અંદર વહેંચીને તેમાંથી આવક મેળવવા માટેની રજૂઆત સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં વધુમાં વસોયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ દારૂનો નાશ કરવાની જગ્યાએ તેને ગુજરાત સિવાયના અન્ય રાજ્યો કે, જ્યાં દારૂબંધી નથી. ત્યાં તેનું વેચાણ કરવામાં આવે. તેમાંથી સરકારને આવક મળશે.
શહીદો અને પોલીસ પરિવારને મદદરૂપ બની શકાય
ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. તે પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે. ત્યારે આ ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાને નાશ કરવામાં આવે છે ત્યારે નાશ કરાયેલા દારૂથી કોઈ ફાયદો જણાતો નથી. એટલે સરકારે ગુજરાત સિવાયના જે રાજ્યની અંદર દારૂબંધી નથી તે રાજ્યની અંદર આ ઝડપાયેલ જથ્થો વહેંચી અને તેમાંથી આવક મેળવવી જોઈએ. તેમ જ આ આવકથી પોલીસ પરિવારના હિતમાં તેમ જ દેશની રક્ષા માટે શહીદ થયેલા ગુજરાતના શહીદોના પરિવારને મદદરૂપ થવું જોઈએ.