‘સેલ્ફી’ Review : વધુ એક સાઉથ સુપરહિટની બોલીવુડે બનાવી સસ્તી રીમેક
સતત ચાર સુપરફ્લોપ ફિલ્મો આપનાર અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ આજે રિલીઝ થઈ છે. ફિલ્મ ‘સૂર્યવંશી’ બાદ અક્ષયની ચાર મેગા બજેટ ફિલ્મો ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’ અને ‘રામસેતુ’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ફિલ્મ ‘સેલ્ફી’ અક્ષયની આ વર્ષની પ્રથમ ફિલ્મ છે. નિર્માતા કરણ જોહરની આ ફિલ્મમાં અક્ષય કુમાર સુપરસ્ટારના રોલમાં જોવા મળે છે, જેનો ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી સાથે ઝગડો થાય છે. આ અધિકારીને ક્યારેય સેલ્ફી માટે ન મળી શકનાર આ સુપરસ્ટાર સંજોગોના કારણે આ અધિકારીની ઓફિસમાં આવવા મજબૂર થાય છે. આ ઈગો ક્લેશ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઇસન્સ’ ની રિમેક છે અને જે રીતે સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક બોક્સ ઑફિસ પર એક પછી એક ફ્લોપ થઈ રહી છે તે જોતાં અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા, ડાયના પેન્ટી અને રાહુલ દેવ સ્ટારર આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ નહિવત રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘સેલ્ફી’ના સ્ટાર્સ જે રીતે મહેનત કરી રહ્યા છે, તે જોતા કહી શકાય કે, દર્શકોને ફિલ્મ એટ્રેક્ટ કરી રહી નથી.અભિનયની બાબતમાં અક્ષય કુમાર આ ફિલ્મમાં કશું પણ નવું કરી રહ્યો નથી. તે જોઈ જોઈને ડાયલોગ બોલી રહ્યો હોય તેવું સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે. તેના ચહેરા પર કોઈ હાવભાવ દેખાતા નથી. તેની સરખામણીમાં ઇમરાન હાશ્મીએ પિક્ચરમાં વધુ સારી એક્ટિંગ કરી છે. જો કે, આ પાત્ર ઇમરાનના કદ સાથે મેચ નથી થતું. નુસરત ભરૂચા, ડાયના પેન્ટી, અભિમન્યુ સિંઘ, મહેશ ઠાકુર જેવા કલાકારોનો અભિનય સરેરાશ રહ્યો હતો. મેઘના મલિકે મ્યુનિસિપલ નોકરાણીની નાની ભૂમિકામાં ચોક્કસપણે દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.