સેલેના ગોમેઝને એમી એવોર્ડ્સમાં એક્ટિંગ માટે મળ્યું પહેલું નોમિનેશન
- Only Murders in the Building માટે સેલેના ગોમેઝને બેસ્ટ અભિનેત્રીનું પહેલું નોમિનેશન મળ્યું છે. આ નોમિનેશન ગોમેઝની અભિનય કારકીર્દિમાં એક માઈલસ્ટોન સાબિત થયું છે
વોશિંગ્ટન, 18 જુલાઈઃ સેલેના ગોમેઝે 76માં એમી એવોર્ડસ (Emmy Awards)માં હુલુની ‘ ઓન્લી મર્ડર્સ ઈન ધ બિલ્ડીંગ’ (Only Murders in the Building) માટે બેસ્ટ અભિનેત્રીનું પહેલું નોમિનેશન મેળવ્યું છે. આ એક કોમેડી સીરીઝ છે. આ નોમિનેશન ગોમેઝની અભિનય કારકીર્દિમાં એક માઈલસ્ટોન સાબિત થયું છે. અગાઉ ગોમેઝે આ જ શ્રેણીમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે તેનું યોગદાન આપ્યું હતું.
ગોમેઝ કોમ્પિટિટીવ કેટેગરીમાં સામેલ થઈ ચૂકી છે. જેમાં ‘એબોટ એલિમેન્ટરી’ માટે ક્વિન્ટા બ્રુન્સન, ‘ધ બેર’ માટે આયો એડેબિરી, ‘લૂટ’ માટે માયા રુડોલ્ફ, ‘હેક્સ’માંથી જીન સ્માર્ટ અને ‘પામ રોયલ’ માટે ક્રિસ્ટન વિગ પણ સામેલ છે. તેનું નોમિનેશન હિટ કોમેડી-મિસ્ટરી સીરીઝ માટે કરવામાં આવ્યું છે. ઓન્લી મર્ડર્સ ઇન ધ બિલ્ડીંગ ગોમેઝની સાથે સાથે સ્ટીવ માર્ટિન અને માર્ટિન શોર્ટ દ્વારા સહ-નિર્મિત છે. આ સીરીઝે 2024 એમીઝમાં કુલ 21 નોમિનેશન્સ પણ મેળવ્યા છે.
આ સીરીજ ઉચ્ચ પ્રકારની રમૂજ અને રહસ્યના જબરજસ્ત મિશ્રણ માટે જાણીતી છે. તેની દર્શકોને જકડી રાખતી સ્ટોરીલાઈન અને તેના કલાકારો વચ્ચેની કેમેસ્ટ્રી પણ વખાણવામાં આવી રહી છે. ગોમેઝના નોમિનેશન ઉપરાંત આ સીરીઝને બેસ્ટ સીરીઝની કેટેગરીમાં પણ નોમિનેશન મળ્યું છે. ‘એબોટ એલિમેન્ટરી’, ‘ધ બીયર’, ‘કર્બ યોર એન્થ્યુસિએઝમ’, ‘હેક્સ’, ‘પામ રોયલ’, ‘રિઝર્વેશન ડોગ્સ’ જેવા અન્ય વખાણાયેલા શો સામે આ સીરીઝ સ્પર્ધા કરીને બેસ્ટ સીરીઝના નોમિનેશનમાં સામેલ થઈ છે. ગોમેઝના સહ કલાકારો, સ્ટીવ માર્ટિન અને માર્ટિન શોર્ટને પણ કોમેડી શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે નોમિનેશન મળ્યું છે, જે શોના મજબૂત પ્રદર્શનને પ્રતિબિંબિંત કરે છે.
આ પણ વાંચોઃ ઐશ્વર્યા રાયથી અલગ થવાની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને ડિવોર્સની પોસ્ટ કરી લાઈક, જૂઓ