4440 કરોડની જપ્તી: ખનીજ માફિયા મોહમ્મદ ઇકબાલ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી


- મોહમ્મદ ઇકબાલ અને તેના પરિવાર વિરુદ્ધ રેતી માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી
સહારનપુર, 15 જૂન: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પૂર્વ BSP MLC હાજી ઇકબાલ (ભૂતપૂર્વ MLC મોહમ્મદ ઇકબાલ) અને તેમના પરિવાર વિરુદ્ધ આજે શનિવારે મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભૂતપૂર્વ MLCની 4 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. અહીં 4,440 કરોડની કિંમતની ગ્લોકલ યુનિવર્સિટીની બિલ્ડિંગ અને જમીન અટેચ કરવામાં આવી છે.
મોહમ્મદ ઇકબાલની સંપતિ જપ્ત
એજન્સી અનુસાર, તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો, ત્યારબાદ 121 એકર જમીન અને ગ્લોકલ યુનિવર્સિટીની ઇમારત જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંપત્તિઓ અબ્દુલ વહીદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધવામાં આવી હતી, જેનું નિયંત્રણ મોહમ્મદ ઇકબાલ અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. મોહમ્મદ ઈકબાલ, ટ્રસ્ટ અને તેના પરિવારના સભ્યો સામે લેવાયેલી આ કાર્યવાહી ગેરકાયદેસર માઈનિંગ કેસ સાથે સંબંધિત છે. ED અનુસાર, પૂર્વ MLC મોહમ્મદ ઈકબાલ ફરાર છે. મળતી માહિતી મુજબ, તે દુબઈમાં છે. મોહમ્મદ ઈકબાલને ચાર પુત્રો છે. જેલમાં રહેલા પુત્રો અને ભાઈ સામે ઘણા કેસ નોંધાયેલા છે.
મની લોન્ડરિંગનો કેસ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રેતીના ખનન, લીઝના ગેરકાયદેસર નવીકરણ અને કેટલાક ખાણ લીઝ ધારકો, કેટલાક અધિકારીઓ અને અજાણ્યા લોકો સામે દિલ્હીમાં નોંધાયેલી CBI FIR સાથે સંબંધિત છે. તમામ ખાણકામ કંપનીઓ મોહમ્મદ ઈકબાલ ગ્રૂપની માલિકીની અને સંચાલિત હતી. આ કંપનીઓ સહારનપુર અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર ખાણકામમાં સામેલ હતી. EDએ જણાવ્યું હતું કે, ITR (ઇન્કમટેક્સ રિટર્ન)માં નજીવી આવક દર્શાવવા છતાં, ખાણકામ કરતી કંપનીઓ અને મોહમ્મદ ઇકબાલના ગ્રુપની કંપનીઓ વચ્ચે કોઇપણ વ્યાપારી સંબંધ વિના કરોડોના વ્યવહારો મળી આવ્યા છે.
આ પણ જુઓ: મહારાષ્ટ્ર સરકાર વકફ બોર્ડને 10 કરોડ આપશે, વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનની ઉચ્ચારી ચીમકી