IPL-2024વિશેષસ્પોર્ટસ

મુંબઈ સામે કોલકાતાએ અપનાવેલી રણનીતિનો ફેન થઇ ગયો સેહવાગ

Text To Speech

11 મે, મુંબઈ: ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં અપનાવેલી રણનીતિનો ફેન થઇ ગયો છે. ગઈકાલે વરસાદને લીધે ફક્ત 16-16 ઓવર્સની જ મેચ શક્ય બની હતી જેમાં કોલકાતાએ મુંબઈને 18 રને હરાવ્યું હતું.

વરસાદને લીધે દરેક બોલરને ફાળવવામાં આવતી ઓવર્સની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી હતી. આ અનુસાર કોઈ એક બોલરે વધુમાં વધુ ચાર ઓવર્સ નાખવાની હતી અને બાકીના ચાર બોલર્સ માત્ર ત્રણ જ ઓવર્સ નાખી શકવાના હતા.

સહેવાગનું કહેવું એવું છે કે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે જે પીચ પર ગઈકાલે મેચ રમાડવામાં આવી હતી તે સ્પિનરોને મદદ કરનારી હતી. છેલ્લા ત્રણથી ચાર દિવસ કોલકાતામાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, પરિણામે ક્યુરેટરને સરખી પીચ તૈયાર કરવાની તક મળી ન હતી આથી પીચ સ્પિનર્સને મદદ કરી રહી હતી.

આવી પરિસ્થિતિમાં ઉપરોક્ત બોલિંગ નિયમોને ધ્યાનમાં લઈને KKR દ્વારા અગાઉથી નક્કી કરેલી રણનીતિનો ઉપયોગ કરીને  કોઈ અનુભવી બોલરને બદલે વરુણ ચક્રવર્તી જે સ્પિનર છે તેને પૂરી ચાર ઓવર્સ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેવટે આ નિર્ણય કોલકાતાના પક્ષમાં ગયો હતો.

સહેવાગે મેચ પત્યા બાદ કહ્યું હતું કે, ‘તેમની પાસે સુનીલ નારાયણ અને મિચેલ સ્ટાર્ક જેવા બોલર્સ હતા જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને જુદાજુદા દેશોમાં જઈને T20 લીગ રમે છે. પરંતુ તેમને ચાર ઓવર્સ ન મળી. તો આમ કરીને KKRએ સમજદારી દેખાડી કે મારો આ બોલર (ચક્રવર્તી) સારી બોલિંગ કરી રહ્યો છે એટલે તેને જ ચાર ઓવર્સ આપવી જોઈએ. ચક્રવર્તીની સાતત્યપૂર્ણ બોલિંગને કારણે મુંબઈના બેટ્સમેનોએ પણ તેને સંભાળીને રમવું પડ્યું અને એ વાતનું ધ્યાન રાખ્યું કે તેઓ વરુણને વધુ વિકેટો ન આપી બેસે.’

જો કે સહેવાગે વરુણ ચક્રવર્તીની એ બાબતે ટીકા પણ કરી હતી કે તેણે પોતાનું ફોર્મ આ વર્ષની IPLમાં ઘણું મોડું દેખાડ્યું. જો આ જ ફોર્મ તેણે શરૂઆતની મેચોમાં દેખાડ્યું હોત તો તેનું સિલેક્શન આવનારા T20 World Cupમાં થઇ શક્યું હોત.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ બંનેને ‘ભેદી બોલરો’ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પોતાની અલગ પ્રકારની સ્પિન બોલિંગથી કાયમ વિપક્ષી ટીમના બોલર્સને કન્ફયુઝનમાં રાખે છે અને સતત વિકેટ મેળવતા રહે છે.

Back to top button