પાકિસ્તાનની સરહદ પાર કરી ભારત આવેલી સીમા હૈદરે રાષ્ટ્રપતિ મુર્મુ પાસે લગાવી મદદની ગુહાર
પાકિસ્તાનની સરહદ પાર કરીને પોતાના પ્રેમી સચિન માટે આવેલી સીમા હૈદર વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. UP ATS છેલ્લા 2 દિવસથી પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર અને તેના પ્રેમી સચિનની પૂછપરછ કરી રહી છે. કુલ 18 કલાકની પૂછપરછમાં સીમાએ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જેથી આ મામલે હજી તપાસ કરવામાં આવી રહી છે. આ વિવાદને લઈ કેટલાક લોકો સીમાના પક્ષમાં તો કેટલાક સીમાની વિરુદ્વ બોલી રહ્યા છે. જેમાં કેટલાક લોકો દ્વારા તેને પાકિસ્તાન પરત મોકલવાની માંગ કરવામાં આવી રહી છે. જેથી આ મામલે સીમા હૈદર વતી રાષ્ટ્રપતિ ભવનમાં દયાની અરજી મોકલવામાં આવી છે.
સીમા હૈદર વતી રાષ્ટ્રપતિને દયા અરજી મોકલાઈ
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,સીમા હૈદર વતી રાષ્ટ્રપતિ ભવનમાં દયાની અરજી મોકલવામાં આવી છે. રાષ્ટ્રપતિને કરવામાં આવેલી દયાની અરજીમાં જે એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. તેના પર સીમા હૈદરનું નામ લખવામાં આવ્યું છે અને તેમાં ગ્રેટર નોઈડાનું સરનામું પણ લખવામાં આવ્યું છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓથી વાકેફ છે અને લખવામાં આવેલી દરેક લાઇન પર તેમની સંમતિ લેવામાં આવી છે.
સીમાની એટીએસ દ્વારા બે દિવસ પૂછપરછ કરાઈ
સીમા હૈદરની ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા બે દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ ફરી એકવાર સીમા પર ધરપકડની તલવાર લટકી શકે છે. એટીએસે બોર્ડર પરથી પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ સાથેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ તેણે કહ્યું કે તે ISIનું નામ પણ નથી જાણતી. આ સમગ્ર પ્રક્રિયાની વચ્ચે હવે સીમાએ પોતાની અરજી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી છે.
સીમાને ટૂંક સમયમાં પાકિસ્તાન મોકલી દેવાશે
ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સીમા પાસેથી અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે એવું ન કહી શકાય કે તે પાકિસ્તાની જાસૂસ છે. જોકે એટીએસ કેટલાક પ્રશ્નોના જવાબોથી સંતુષ્ટ નથી. જે બાદ સરહદની બહાર પણ પૂછપરછ કરી શકાશે. સીમા ઉપરાંત તેના પ્રેમી સચિનની પણ પૂછપરછ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સીમાને ટૂંક સમયમાં પાકિસ્તાન મોકલી દેવામાં આવી શકે છે. જે તે બિલકુલ ઈચ્છતી નથી. સીમાનું કહેવું છે કે જો તેને પાકિસ્તાન મોકલવામાં આવશે તો તે બચી શકશે નહીં.
આ પણ વાંચો : શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે બે દિવસીય ભારત પ્રવાસે, આજે પીએમ મોદીને મળ્યા, જાણો શું થઈ વાતચીત ?