T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

ભારત સામેની મેચ વિશે પ્રશ્ન પૂછનાર યુટ્યુબરને સિક્યોરીટી ગાર્ડે ગોળી મારી દીધી!

11 જૂન, કરાચી: પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીથી એક કંપાવનારા સમાચાર આવ્યા છે. સમાન્ય રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના પરિણામ બાદ પાકિસ્તાનમાં તેના હિંસક પ્રત્યાઘાતો પડતા હોય છે. પરંતુ ગત રવિવારે અમેરિકામાં રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચ અગાઉ એક પાકિસ્તાની યુટ્યુબરને મેચને કારણે પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે.

આ ઘટના અંગેની વિગત એવી છે કે પાકિસ્તાની યુટ્યુબર જેનું નામ સાદ અહેમદ છે તે રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાં કરાચીના મોબાઈલ માર્કેટ વિસ્તારમાં ફરી ફરીને લોકોના મંતવ્યો જાણી રહ્યો હતો. આ દરમ્યાન તેણે અહીં દુકાનો ધરાવતા અસંખ્ય મોબાઈલ વિક્રેતાઓના મંતવ્યો લીધા હતા. આ દરમ્યાન એક સિક્યોરીટી ગાર્ડનું મંતવ્ય જાણવાના પ્રયાસ દરમ્યાન આ યુટ્યુબરને પોતાનો જીવ ખોવો પડ્યો હતો.

જોકે આ ઘટનાના બે અલગ અલગ વર્ઝન સામે આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે સાદ અહમદ જ્યારે વેપારીઓનાં મંતવ્યો લઇ રહ્યો હતો ત્યારે પેલા સિક્યોરીટી ગાર્ડે તેને પણ પૂછવાનું કહ્યું હતું. આ સમયે સાદ અહમદે તેને થોડી રાહ જોવાનું કહ્યું હતું. ત્યારબાદ સિક્યોરીટી ગાર્ડે વારંવાર સાદને પોતાને કેમેરામાં શૂટ કરવાની વિનંતી કરી હતી.

આ પછી જ્યારે સાદે અન્ય મોબાઈલ વિક્રેતાઓની બાઇટ્સ લઇ લીધી અને પેલા સિક્યોરીટી ગાર્ડ પાસે આવીને તેનું મંતવ્ય જાણવા પ્રયાસ કર્યો ત્યારે પેલાએ પોતાની જ પિસ્તોલમાંથી સાદને ગોળી મારી દીધી હતી.

જ્યારે સિક્યોરીટી ગાર્ડે તેની ધરપકડ થયા બાદ પોલીસને આપેલા નિવેદનમાં એમ કહ્યું હતું કે તેને કશું કહેવું ન હતું તો પણ સાદ વારંવાર તેના ચહેરા આગળ માઈક ધરીને તેને પરેશાન કરી રહ્યો હતો અને છેવટે તેણે કંટાળીને ગોળી મારી હતી. નજરે જોનાર વ્યક્તિઓએ જોકે એમ કહ્યું છે કે ગોળી મારતા અગાઉ સિક્યોરીટી ગાર્ડ સાદ અહેમદ સાથે સારી રીતે વાત કરતો હતો.

જાણવા મળ્યા અનુસાર સાદ પોતાના કુટુંબ માટે એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો અને પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે CCTVની તપાસ કરતા એ સ્પષ્ટ થયું હતું કે ગોળી સિક્યોરીટી ગાર્ડે જ ચલાવી હતી.

સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાનની મેચ બાદ જ્યારે પાકિસ્તાન હારી જતું હોય છે ત્યારે પાકિસ્તાનીઓ ટીવી અને અન્ય સાધનો પર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. પરંતુ મેચ અગાઉ જ આ પ્રકારની ઘટનાએ સમગ્ર પાકિસ્તાનમાં આશ્ચર્ય સર્જ્યું છે.

Back to top button