નેશનલ ડેસ્કઃ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી બે પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન અને 11 કારતૂસ પણ મળી આવ્યા છે. એક પોલીસ પ્રવક્તાએ કહ્યું, “સોપોર (બારામુલ્લા જિલ્લો)માંથી પોલીસે સુરક્ષા દળો સાથે મળીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.’
પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હિલચાલ વિશે ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા હદીપોરા-રફિયાબાદમાં એક સંયુક્ત પોસ્ટ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સંયુક્ત ટીમે લોરિહામા લિંક રોડથી હડીપોરા તરફ આવતા બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવ્યા જેમણે સંયુક્ત નાકા ટીમને જોઈને સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.
બંને આતંકવાદીઓ શ્રીનગરના રંગરેથના રહેવાસી
ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓની ઓળખ તારિક અહેમદ વાની અને ઈશ્ફાક અહેમદ વાની તરીકે થઈ છે, જેઓ રંગરેથ, શ્રીનગરના રહેવાસી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે મળેલી માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે રવિવારે બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે, આતંકીની ઓળખ ઈર્શાદ અહેમદ તરીકે થઈ છે, જે બારામુલ્લાના પટ્ટનનો રહેવાસી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જિલ્લાના બિન્નર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે શનિવારે સાંજે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.