સુરક્ષા વિભાગની હા, ટ્રસ્ટની નાઃ જ્યોતિર્લિંગ સોમનાથના કવરેજ માટે ટ્રસ્ટનો પ્રતિબંધ, પત્રકારો મંદિર બહાર ધરણાં પર


ગીર સોમનાથઃ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ માહોલ ગરમાયો છે. ત્યાં પત્રકારો ધરણા પર ઉતર્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારોને કવરેજ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને મીડિયાકર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. પત્રકારો દ્વારા મંદિરના ગેટની સામે જ કાળી પટ્ટી લગાવીને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
પત્રકારોએ ટ્રસ્ટ વિરુદ્ધ વિવિધ સૂત્રોચ્ચાર કર્યાં
તો આ મામલે પત્રકારોએ ટ્રસ્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. પત્રકારો સૂત્રોચ્ચાર કરતા કહેતા હતા કે, અમે પત્રકારો છીએ, આતંકવાદી નથી. ભગવાન સોનાથ ટ્રસ્ટને સદ્બુદ્ધિ આપો સદ્બુદ્ધિ આપો.
તંત્ર ડબલ ઢોલકી
સુરક્ષા વિભાગ તરફથી પત્રકારોને કવરેજ કરવા માટેની મંજૂરી છે, પરંતુ ટ્રસ્ટ તરફથી મીડિયાકર્મીઓને રોકવામાં આવી રહ્યા છે. જેને લઈને હાલ પૂરજોશમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. મંદિરે દર્શન કરતા ભાવિકોએ પણ સોમનાથ ટ્રસ્ટની આલોચના કરી છે.