ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં એનએસએ અજીત ડોભાલના નિવાસ સ્થાને સુરક્ષા ઉલ્લંઘન મામલે સીઆઈએસએફ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક મામલે ત્રણ સીઆઈએસએફ કમાન્ડોને બરતરફ કરી દેવામાં આવ્યા છે, જ્યારે એક ડીઆઈજી અને એક કમાન્ડેન્ટ રેંકના અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભારતના એનએસએ અજીત ડોભાલને સેન્ટ્રલ VIP સુરક્ષા સૂચિ હેઠળ ‘Z+’ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે.
તેમને CISFના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SSG) યુનિટ દ્વારા સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. સુરક્ષામાં ખામીની આ ઘટના 16 ફેબ્રુઆરીએ બની હતી. સીઆઈએસએફ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પાંચ અધિકારીઓને વિવિધ આરોપોમાં દોષિત જાહેર કર્યા બાદ અને તેમની સામે કાર્યવાહીની ભલામણ કર્યા બાદ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભાજપમાં મોટો ફેરફાર, નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી હટાવ્યા
આપને જણાવી દઈએ કે, સુરક્ષામાં ભંગ 16 ફેબ્રુઆરીના રોજ સવારે 7.30 વાગ્યે થયો હતો જ્યારે બેંગલુરુના એક વ્યક્તિએ મધ્ય દિલ્હીમાં ડોભાલના ઉચ્ચ સુરક્ષા ગૃહમાં તેની કારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બરતરફ કરાયેલા ત્રણ કમાન્ડો તે દિવસે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે NSAના નિવાસસ્થાને હાજર હતા. આ વ્યક્તિને ઘરની બહાર રોકીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો.