ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસની સુરક્ષા વધારાઈ
- પેલેસ્ટાઈનના ઉગ્રવાદી જૂથ હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા પછી તેની અસર બંને દેશોની સાથે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે.
દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ઈઝરાયેલ એમ્બેસીની આસપાસ સુરક્ષામાં વધારો કર્યો છે. ઈઝરાયેલ દૂતાવાસની સુરક્ષા પોલીસ દ્વારા કડક કરી કરી દેવામાં આવી છે. એક અધિકારીએ આજે મંગળવારે (10 ઓક્ટોબર) આ માહિતી આપી છે. અધિકારીએ કહ્યું કે દિલ્હી પોલીસે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ એમ્બેસી અને ચાબાડ હાઉસની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં ઇઝરાયેલી એમ્બેસી અને મધ્ય દિલ્હીમાં ચાંદની ચોકમાં આવેલા ચાબડ હાઉસની આસપાસ તૈનાત સ્થાનિક પોલીસને કડક તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ઇઝરાયેલી એમ્બેસી અને ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નોર ગિલોનના સત્તાવાર નિવાસસ્થાનની બહાર વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય નવી દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં યહૂદી ધાર્મિક સ્થળ ચાબડ હાઉસ પાસે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ભારતે આપ્યું છે ઈઝરાયેલને સમર્થન
ઈઝરાયેલ પર હમાસના લડવૈયાઓના હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઈઝરાયેલની સાથે છે. આ સાથે અમેરિકા, બ્રિટન, જર્મની, યુક્રેન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિતના પશ્ચિમી દેશોએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ઈઝરાયલની સાથે ઉભા રહેવાની વાત કરી છે.
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ દ્વારા ઇઝરાયેલ પર અચાનક હુમલામાં સેંકડો ઇઝરાયેલીઓ માર્યા ગયા છે અને સેંકડો અન્ય ઘાયલ થયા છે. તો આ બાજુ ઇઝરાયેલની ઉગ્ર જવાબી કાર્યવાહીમાં, ગાઝા પટ્ટી વિસ્તારમાં સેંકડો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને સેંકડો અન્ય ઘાયલ થયા છે.
આ પણ વાંચો: ઈઝરાયેલે કરી ગાઝાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી, યુદ્ધની સ્થિતિ વણસી