કલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહી તેમ કોંગ્રેસના હેમાંગ રાવલે જણાવું છે. કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર કલમ 144 નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.
ગુજરાતના હવે 144નો ભંગ કરનાર સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે
ભૂતકાળમાં કલમ 144 નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે નહી પરંતુ સરકારના અઘટીત કાર્યોના વિરોધને દબાવવા માટે ઉપયોગ થયેલો છે, કલમ 144 એ એક પ્રકારનો અઘોષીત કરફ્યુ ગણી શકાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા સહ કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના હવે 144નો ભંગ કરનાર સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) ની કલમ 144 નું ઉલ્લંઘન કરીને વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે ફોજદારી કેસ નોંધવાની સુવિધા આપતા ગુજરાતના બિલને(Gujarat bill) કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ, 2021,(The Code of Criminal Procedure (Gujarat Amendment) Bill, 2021) ને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી (Presidential assent) આપવામાં આવી છે.
સીઆરપીસી કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો જારી
આ વિધેયકમાં કલમ 144 CrPC હેઠળ જારી કરવામાં આવેલા પ્રતિબંધિત આદેશોનું કોઈ પણ ઉલ્લંઘન ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલા આદેશનો અનાદર) હેઠળ સંજ્ઞેય ગુનો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિધેયકના નિવેદન અને ઉદ્દેશો અનુસાર ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટોને સીઆરપીસી કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિને ચોક્કસ કાયદાથી દૂર રહેવા અથવા જાહેર સુલેહ-શાંતિમાં ખલેલ ન પહોંચે તે માટે અથવા વિવિધ પ્રસંગોએ જાહેર વ્યવસ્થા જાળવવા માટે તોફાનો અથવા અફરાતફરીને રોકવા માટે ચોક્કસ આદેશ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદમાં 64 વાર કલમ 144 નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
પોલીસ અધિકારીઓ જ્યારે આવી ફરજો પર તૈનાત હોય છે ત્યારે ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવે છે અને CrPCની કલમ 188 હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે. હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ જ્યારે આ બીલ લાવવામાં આવ્યું ત્યારે વિરોધ કર્યો હતો અને તે વખતના આંદોલનકારીઓને દબાવીને આંદોલન ના થાય તેના માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં કલમ 144 નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે નહી પરંતુ સરકારના અઘટીત કાર્યોના વિરોધને દબાવવા માટે ઉપયોગ થયેલો છે. સીઆરપીસીની કલમ 144 સુરક્ષા સંબંધિત જોખમ હોય અથવા કાયદો અને વ્યવસ્થા કે આરોગ્યની સ્થિતી ના બગડે તેના માટે જ લગાડવામાં આવતી હોય છે પરંતુ કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર કલમ 144 નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી
કલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહીં પરંતુ સરકારે 144નો (4 થી વધારે વ્યક્તિ ભેગા ન થવા જોઈએ) ભંગ કરનાર સામે પોલીસને ફરીયાદ (કલમ 188 અંતર્ગત) કરવાની સત્તા આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો સાત વર્ષથી ઓછી સજા ના પ્રાવધાન વાળા આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી સીધા જામીન મળે છે પરંતુ હવે અહીં 144 નો ભંગ કરનારને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને જામીન મેળવવાના રહેશે.
144ની કલમ માં ઈન્ટનેટ પર પ્રતિબંધની પણ જોગવાઈ
144ની કલમ માં ઈન્ટનેટ પર પ્રતિબંધની પણ જોગવાઈ હોવાથી જો 144 કલમ લાગેલી હશે અને કોઈપણ રીતે યુવાનો ઈન્ટનેટ વાપરશે તો તેમના ઉપર પણ પોલીસ ગુન્હો દાખલ કરી શકશે. તે બાબતે પણ ઘણી બધી વિસંગતતાઓ દેખાઈ રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે લોકશાહી અને બંધારણના આદર્શોને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષોને પણ જો વિરોધ પ્રદર્શન કરવું હોય તો વિધાનસભા સામે મંડપ બાંધીને પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પરંતુ હવે આવા કાયદાઓથી જો કલમ 144 લાગેલી હશે તો મોંઘવારી વિરુધ્ધ મહિલાઓ આંદોલન કરશે, પેપર ફુટે અથવા બેરોજગારી વિરુધ્ધ યુવાનો આંદોલન કરશે, પાક વિમા ના મળે અથવા પોતાના પાકનો ટેકાનો ભાવ ના મળે અને ખેડૂતો આંદોલન કરશે, અથવા આ આંદોલનોને લોકશાહીની ચોથી જાગીર પત્રકારો પણ જો ચારથી વધુ ભેગા થઈને સ્ટોરી કવર કરશે તો તેમની સામે પણ કેસ નોંધવાની સત્તા પોલીસને મળી રહી હોય તેમ લાગી રહ્યું છે.