

ગુજરાતમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તાને લઈ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ઘણા સમયથી જે મામલે સરકાર ઉપર માછલા ધોવાતા હતા તેમાં કાર્યવાહી કરવામાં આવી છે. આજે સરકાર દ્વારા માર્ગ મકાન વિભાગના સચિવ એસ.બી વસાવાને તેમના વિભાગમાંથી હટાવાયા છે. જેના કારણે આઈએએસ લોબીમાં ખળભળાટ મચી ગયો છે. હવે તેમને હાઉસિંગ કમિશનર બનાવવામાં આવ્યા છે.
GSRDC ના એમડી એ.કે.પટેલને પ્રમોશન આપી R એન્ડ B ના નવા સચિવ બનાવાયા
મળતી માહિતી મુજબ, રાજ્યમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તાને લઈ સરકાર ઉપર છેલ્લા કેટલાક સમયથી કાર્યવાહીનું દબાણ હતું. વરસાદ હોય કે ન હોય રસ્તાઓ તૂટી જતા હતા અથવા કોઈપણ સરકારી જગ્યાઓ તેના નબળા બાંધકામને લીધે જર્જરિત હાલતમાં હતી ત્યારે આ દબાણના પગલે આજે સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ મકાન વિભાગના સચિવને તેમના વિભાગમાંથી હટાવાયા છે અને તેમના સ્થાને GSRDC ના એમડી એ.કે.પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેઓને આ વિભાગમાં નવા સચિવ બનાવવામાં આવ્યા છે.
આર.એસ.નિનામાના સ્થાને વસાવાને મુકાયા
ઉલ્લેખનીય છે કે, આઈએએસ એસ.બી વસાવા આર એન બી સચિવ તરીકે છેલ્લા લાંબા સમયથી ફરજ બજાવતા હતા. જેમને હવે માર્ગ મકાન વિભાગમાંથી ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર બનાવાયા છે. રાજ્યમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તાને લઈ સરકાર એક્શનમોડમાં આવી છે એક અધિકારીનો ભોગ લેવાયો છે. વસાવાને આર.એસ.નિનામાના સ્થાને આ પદ ઉપર મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને રહેલા નિનામાને સામાન્ય વહીવટ વિભાગમાં મુકવામાં આવ્યા છે.