- ગાંધીનગરમાં પ્રથમ તબક્કે 28 કિલોમીટર પૈકી 20 કિલોમીટરમાં 500 કલાકનું ટેસ્ટીંગ કરાશે
- પ્રારંભિક ખર્ચ રૂ.5400 કરોડ થશે
- બીજા તબક્કામાં આઠ કિલોમીટરનો ટ્રેક મહાત્મા મંદિર અને અક્ષરધામને જોડશે
ગુજરાતની પ્રથમ એવી અમદાવાદ મેટ્રોરેલના બીજા તબક્કામાં ગાંધીનગરનો પ્રોજેક્ટ આગામી માર્ચ અને એપ્રિલ 2024 સુધીમાં તૈયાર થાય તેવી સંભાવના છે, જો કે આ સમયગાળા દરમ્યાન 28 કિલોમીટર પૈકી 20 કિલોમીટરના ટ્રેક અને સ્ટેશન તૈયાર થઇ જશે. અમદાવાદને ગાંધીનગરથી જોડતી મેટ્રોરેલ મોટેરા પછી કોબા થઇને પીડીપીયુ, ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટી જશે. ગાંધીનગરના બીજા તબક્કામાં આઠ કિલોમીટરનો ટ્રેક મહાત્મા મંદિર અને અક્ષરધામને જોડશે, જેનું કામ એપ્રિલ 2024 પછીના સમયમાં પૂર્ણ કરાશે.
લોકસભા ચૂંટણી પહેલા ટ્રેન ચાલુ કરવા હિલચાલ
ગાંધીનગરના મેટ્રોરેલના તબક્કાને માર્ચ-એપ્રિલ 2024માં પૂર્ણ કરવાનું આયોજન ચાલી રહ્યું છે જેમાં ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટીના રૂટના કામોમાં તેજી આવી છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે 2024માં ગાંધીનગરના મુસાફરો મેટ્રોમાં સફર કરે તેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
બે તબક્કામાં કામ થશે પૂર્ણ
ગાંધીનગરને મેટ્રો આપવામાં 5400 કરોડનું ખર્ચ થશે. ગાંધીનગરમાં મેટ્રોમાર્ગની લંબાઇ 34.59 કિલોમીટર નિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28.26 કિ.મી. થઈ છે. તેમાં બે કોરિડોર હશે. પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરા ને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી જીએનએલયુ (ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી) થી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે.