ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીનો બીજો દિવસ, જાણો શું રહી આજની ગતિવિધિઓ

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનો આજે બીજો દિવસ હતો. આજના દિવસે હજારોની જનમેદની સ્વામી નગર ખાતે આ મહોત્સવનો લ્હાવો લેવા ઉમટી પડી હતી. આજના આ મહોત્સવમાં જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટર ભરત જોશી, ગિરીશ દત્તાત્રે મહાજન – કેબિનેટ મંત્રી – મહારાષ્ટ્ર અને અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ સ્વામી મહારાજનું ધાર્મિક પ્રવચન ખૂબ અદ્ભૂત હતું

આ તકે જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર દુનિયા ને એક પરિવારના સભ્યની જેમ તમામ લોકોની સેવા કરી છે. પ્રમુખસ્વામી મહારાજ માનવતાના કલ્યાણમિત્ર હતા અને તેમના જન્મથી સમગ્ર માનવતા અને સમાજ ધન્ય થઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજ ગરીબોના ઉત્થાન માટે, મહિલા સશક્તિકરણ, તેમજ પરસ્પર ભાઈચારાની ભાવના માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યા. 1100 થી વધારે સાધુતા યુક્ત સંત સમાજનું નિર્માણ કરીને ભવિષ્યના કલ્યાણ મિત્રોનું પણ નિમાર્ણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે સને 2000 માં યુનાઈટેડ નેશન્સના ધાર્મિક પરિષદમાં ધાર્મિક સંવાદિતા માટે ખૂબ જ અદભુત પ્રવચન આપ્યું હતું.

2002ના આંતકવાદી હુમલા કરતા તેનું પ્રવચન પ્રચંડ હતું

દરમિયાન ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટર ભરત જોશીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ને હું જીવનમાં 7 વાર મળી શક્યો એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા લોકોને પોતાના પરિવારજન માનીને સારસંભાળ લેતા હતા. 2002માં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા પછી પ્રમુખસ્વામી મહારાજે જે શાંતિ સંદેશો આપ્યો તે એક બોમ્બ વિસ્ફોટ કરતા પણ પ્રચંડ હતું અને સમગ્ર ગુજરાતમાં ચિર શાંતિ સ્થપાઈ ગઈ હતી.

સ્વામિનારાયણના મંદિરો એ માત્ર મંદિરો નથી પણ જીવન ઉત્કર્ષના મંદિરો છે 

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ગિરીશ દત્તાત્રે મહાજને જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા પછી મને સ્વર્ગની અનુભૂતિ થઈ છે અને આ નગરનું આયોજન જોઈને આઇ.આઇ.ટી ના વિદ્યાર્થીઓએ પણ અહી શીખ લેવા આવવું જોઈએ. અમે નાશિકમાં કુંભ મેળાનું આયોજન કર્યું હતું ત્યારે અમને એમ થયું હતું કે અમે ઘણું મોટુ સફળ આયોજન કર્યું છે પણ અહીં આવીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન અને સ્વયંસેવકોનું સમર્પણ જોઈને થાય છે કે અમે કઈ જ નથી કર્યું. જલગાંવમાં પણ હું 5 એકર જમીન આપવા માંગુ છું કારણકે સ્વામિનારાયણના મંદિરો એ માત્ર મંદિરો નથી પણ જીવન ઉત્કર્ષના મંદિરો છે.

દિવસના અંતે મહંત સ્વામીએ કર્યું હતું ઉદબોધન

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું, “આજે સંસ્કૃતિ દિવસ નિમિતે આપ સૌ મહાનુભાવો આવ્યા એ માટે આપનો આભાર છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “નોકરી ધંધો બધું જ કરવું પણ સંસ્કૃતિ અને સંસ્કાર ક્યારેય ના ભૂલવા. આપણી સંસ્કૃતિના ૩ આધાર સ્તંભો છે જેમાં મંદિર , શાસ્ત્ર અને સંતનો સમાવેશ થાય છે. મંદિરોથી લોકોના જીવન શુદ્ધ બને છે અને સમાજ સુધારણાનું કાર્ય પણ મંદિરો દ્વારા થાય છે. આદિ શંકરાચાર્યજી થી લઈને અનેક ઋષિ મુનિઓએ મહાન શાસ્ત્રોની અતુલ્ય ભેટ આપી છે જેમાંથી આજે પણ સમાજને પ્રેરણા મળે છે. શાસ્ત્રો કહે તેમ આપણે કરીએ તો આપણે સુખી થાય છે અને જીવન શુદ્ધ બને છે. સંતોએ સુશિક્ષિત સમાજનું નિર્માણ કરવામાં અતુલ્ય યોગદાન આપે છે. શાસ્ત્ર, મંદિર અને સંત એ સમાજનો પ્રાણ છે. આપણને જે ભગવાન અને સંત મળ્યા છે તે સાચા મળ્યા છે અને તેમના દ્વારા આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણી ધર્મ અને સંસ્કૃતિ સચવાય તે માટે આપણે સતત અનુસંધાન રાખવું અને તેનાથી જીવનમાં શાંતિ થશે અને ભગવાન પણ રાજી થશે.

Back to top button