ટોપ ન્યૂઝબિઝનેસ

GST કલેક્શનનો બીજો સૌથી મોટો રેકોર્ડ : જુલાઈ મહિનામાં પણ થઈ કરોડની આવક

Text To Speech

હાલ દેશમાં મોંઘવારીના મુદ્દા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે દેશના સૌથી મહત્વના ટેક્સ રિફોર્મ એટલે કે GST માં ઉત્તરોઉત્તર પ્રગતિ જોવા મળી રહી છે. GSTની પાંચમી વર્ષગાંઠ 1લી જુલાઈ, 2022ના રોજ ઉજવવામાં આવી હતી અને હવે આજે જાહેર થયેલા જુલાઈ માસના GST કલેક્શનના આંકડાએ પણ રેકોર્ડ કર્યો છે.

આજે જાહેર થયેલા જુલાઈ મહિના માટેના GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે. જુલાઈ 2022ના મહિનામાં GSTની કુલ આવક રૂ. 1,48,995 કરોડ રહી હતી. આ આંકડો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદનું ઈતિહાસનું બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે. સરકાર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા ડેટા મુજબ જુલાઈની આવકનો આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક કરતાં 28% વધુ છે.

GSTના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે અને સેસ આયાત પર એકત્ર કરાયેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે. આ મહિના દરમિયાન માલની આયાતમાંથી આવક 48% વધી હતી અને સર્વિસના ઈમ્પોર્ટની સાથે સ્થાનિક આવક ગયા વર્ષના સમાન મહિના કરતા 22% વધુ છે.

નાણા મંત્રાલયે જુલાઈ માસના આંકડા રજૂ કરતી વખતે આનંદ વ્યકત કરતા જણાવ્યું કે, સતત પાંચમા મહિને GST આવક રૂ. 1.4 લાખ કરોડ કરતાં વધુ રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2022ના જુલાઈ મહિના સુધીની GST આવકમાં 35% વૃદ્ધિ નોંધાઈ છે. આ સિવાય જુલાઈ મહિનામાં સરકારે IGSTમાંથી CGST પેટે રૂ. 32,365 કરોડ અને રૂ. 26,774 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 58,116 કરોડ અને SGST માટે રૂ. 59,581 કરોડ છે.

આ પણ વાંચો : શેરબજારમાં તેજી: શ્રાવણનાં પહેલા સોમવારે સેન્સેક્સ- નિફ્ટીમાં ઉછાળો

જૂન 2022ના મહિના દરમિયાન 7.45 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે 2022ના 7.36 કરોડ કરતાં સામાન્ય વધારે હતા. આ આંકડો દર્શાવે છે કે આગામી મહિને એટલેકે ઓગષ્ટ માટે સપ્ટેમ્બરમાં જાહેર થનાર GST કલેક્શનના આંકડા સંભવિત વધારે હશે. આ વર્ષે એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડના રેકોર્ડ હાઈ લેવલે હતું. આ ઈતિહાસમાં પ્રથમ વખત હતુ કે GST કલેક્શને રૂ. 1.50 લાખ કરોડના આંકને વટાવ્યું હોય.

Back to top button