SEBIનો મેહુલ ચોક્સીને આંચકો, બેંક, ડીમેટ, મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓ જોડવાનો આદેશ
શેરબજાર નિયામક SEBIએ આર્થિક ભાગેડુ મેહુલ ચોક્સી સામે મોટો નિર્ણય લીધો છે. SEBIએ મેહુલ ચોકસીના બેંક ખાતા, શેર, મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગને એટેચ કરવાનો આદેશ જારી કર્યો છે. શેરબજારના નિયમનકારે ઓક્ટોબર 2022માં ચોક્સી પર દંડ લગાવ્યો હતો. જે તેણે હજુ સુધી ચૂકવ્યા નથી. આ કારણે સેબીએ તેની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
SEBIએ મેહુલ ચોક્સી પાસેથી 5.35 કરોડ રૂપિયા વસૂલવાના હતા. ભાગેડુ વેપારીએ હજુ સુધી આ રકમ ચૂકવી નથી. જે બાદ SEBIએ તેમના બેંક એકાઉન્ટ અને શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને એટેચ કરવાનો આદેશ આપ્યો છે.
ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરના વેપાર સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં SEBIએ ઓક્ટોબર 2022માં ચોક્સી પર આ દંડ લગાવ્યો હતો. SEBIએ જારી કરેલી નોટિસમાં રૂ. 5 કરોડનો દંડ, રૂ. 35 લાખનું વ્યાજ અને રૂ. 1,000ની વસૂલાત ખર્ચનો સમાવેશ થાય છે.
એટેચમેન્ટ ઓર્ડર પહેલા SEBIએ 18 મેના રોજ ચોક્સીને ડિમાન્ડ નોટિસ મોકલીને 5.35 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. ત્યારપછી સેબીએ ચેતવણી આપી હતી કે 15 દિવસની અંદર ચુકવણી નહીં કરવા પર ધરપકડ અને બેંક સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.
મેહુલ ચોક્સી કંપનીના એમડી-ચેરમેન હતા અને ગીતાંજલિ જેમ્સ પ્રમોટર હતા. ઉપરાંત, તે અન્ય આર્થિક ભાગેડુ નીરવ મોદીના મામા હોવાનું જણાય છે. બંને પર જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. 2018માં આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મેહુલ ચોક્સી અને નીરવ મોદી દેશ છોડીને વિદેશ ભાગી ગયા હતા. જ્યારે મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં છે, નીરવ મોદી યુકેની જેલમાં બંધ છે અને તેણે ભારતની પ્રત્યાર્પણ અરજીને પડકારી છે.