

SEBIએ અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટની તપાસ પૂર્ણ કરવા અને સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ 15 દિવસનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સેબીને તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ સોમવારે અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવમાં ગેરરીતિના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે વધુ 15 દિવસની માંગણી કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
24 કેસમાંથી 17 કેસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ નવી અરજીમાં જણાવ્યું છે કે તેણે તેનાથી સંબંધિત 24 કેસોની તપાસ કરી છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, “ઉપરના 24 કેસમાંથી 17 કેસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને સક્ષમ અધિકારી દ્વારા સેબીની હાલની પ્રક્રિયાઓ અનુસાર તેને મંજૂરી આપવામાં આવી છે.” SEBIએ જણાવ્યું હતું કે તપાસના તારણો પર અહેવાલ દાખલ કરવાનો સમય “15 દિવસ અથવા અન્ય સમયગાળો જે માનનીય કોર્ટ હાલના કેસના તથ્યો અને સંજોગોમાં યોગ્ય અને જરૂરી ગણે” તે લંબાવવામાં આવશે.
અદાણીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની ખંડપીઠે 11 જુલાઈએ સેબીને અદાણી જૂથ સામેના સ્ટોક રિગિંગના આરોપોની તપાસની સ્થિતિ વિશે જણાવવા કહ્યું હતું. આ સાથે 14મી ઓગસ્ટ સુધી લંબાવેલા સમય સુધીમાં તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હિંડનબર્ગે જાન્યુઆરીમાં અદાણી જૂથ પર ચોપડામાં છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરી તેમજ વિદેશી એકમોના અયોગ્ય ઉપયોગનો આરોપ મૂક્યો હતો. આ આરોપો બાદ ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટે 2 માર્ચે સંબંધિત પક્ષકારોના વ્યવહારો અને શેરના ભાવમાં ચાલાકીની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી હતી.