સેબીએ ઓક્ટો. 24થી 70 હજાર ગેરમાર્ગે દોરતી મીડિયા પોસ્ટ દૂર કરી


નવી દિલ્હી, 22 માર્ચઃ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા – સેબીએ ગેરમાર્ગે દોરતી સુચનાઓ રોકવા માટે ઓક્ટોબર 2024 બાદ 70 હજારથી વધુ ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ અને એકાઉન્ટ દૂર કર્યા છે. આ પોસ્ટ અને એકાઉન્ટસ એવા હતા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે મળીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા એમ સેબીના પૂર્ણકાલીન સભ્ય અનંત નારાયણે જણાવ્યું હતું.
આ કાર્યવાહી છેલ્લા એક વર્ષમાં ઇન્ફ્લ્યુઅન્સર, સ્ટોક ભલામણો અને ઓનલાઇન ગેરમાર્ગે દોરનારી સામગ્રી પર કાર્યવાહી કરવા માટે સેબીના સઘન પ્રયાસોને દર્શાવે છે. એસોસિયેશન ઑફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (ARIA) સમિટમાં બોલતા, નારાયણે રોકાણકારોની જાગૃતિ પર સેબીના ધ્યાન પર ભાર મૂક્યો હતો.
નારાયણે જણાવ્યું હતું કે, ‘અમારા માટે એક સામાન્ય ચિંતા એ છે કે બિન-નોંધાયેલ રોકાણ સલાહકારો/સંશોધન વિશ્લેષકો જે રોકાણમાં લોકોની વધી રહેલી રુચિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નારાયણે તેની રોકાણકાર સુધી પહોંચવાની વ્યૂહરચનાને આકાર આપવા માટે રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ માટેની સેબીની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં, રેગ્યુલેટરનો ઉદ્દેશ્ય જોખમ પ્રત્યે સભાન અને સક્ષમ રોકાણકારોને ઓળખવા માટે માન્યતા પ્રાપ્ત રોકાણકાર મોડલનો લાભ લેવાનો છે. તેમણે રોકાણ સલાહકારો, નોન-ડીસ્ક્રીશનરી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ વિતરકો અને આકસ્મિક સલાહની સમીક્ષા કરવા હિતધારકો અને સેબી વચ્ચે સતત સંવાદ ચાલુ રાખવા માટે અપીલ કરી હતી.