રાહુલ દ્રવિડ શું ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ નહીં બને? – જાણો વિગતો
10 મે, મુંબઈ: બે દિવસ અગાઉ BCCIના સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે બહુ જલ્દીથી ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ માટે જાહેરાત આપવામાં આવશે. જય શાહની આ જાહેરાતે ક્રિકેટ વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે રાહુલ દ્રવિડ કદાચ ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ નહીં બને.
જો કે જય શાહે કહ્યું છે કે જો રાહુલ દ્રવિડને ઈચ્છા હોય તો તેઓ જાહેરાત બાદ ફરીથી એપ્લિકેશન કરી શકે છે. પરંતુ આમ બનવું લગભગ અશક્ય છે કારણકે ગયા વર્ષે ICC ક્રિકેટ વર્લ્ડ કપ બાદ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કોન્ટ્રેક્ટ રિન્યુ કરવામાં આવ્યો હતો. આથી દ્રવિડ ફરીથી એપ્લાય કરે તે શક્ય લાગતું નથી.
નવેમ્બર 2021માં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે જોડાયા હતા. તેમના નિર્દેશન હેઠળ ટીમ ઇન્ડિયાએ ગયા વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી જ્યારે 2022ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ સુધીની સફર ખેડી હતી. તો ભારતમાં જ રમાયેલા પચાસ ઓવર્સના વર્લ્ડ કપમાં ટીમ ફક્ત ફાઈનલ મેચ સિવાય ટુર્નામેન્ટની બધીજ મેચો જીતી હતી.
આ ઉપરાંત આ વર્ષે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ પણ ભારત જીતી ગયું હતું. આમ આ પ્રકારની અનેક સિદ્ધિઓ મેળવનાર કોચ દ્રવિડનો યોગ્ય વિકલ્પ શોધવો તે BCCI માટે ઘણું અઘરું કાર્ય બની રહેશે. એવું જાણવા મળ્યું છે કે દ્રવિડની જગ્યા લેનાર કોચને ત્રણ વર્ષનો કોન્ટ્રેક્ટ ઓફર કરવામાં આવશે. આ કોચનું મુખ્ય કાર્ય 2027માં દક્ષિણ આફ્રિકામાં રમાનાર પચાસ ઓવરનો વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયાને જીતાડવાનું રહેશે.
આ ઉપરાંત આવનારા વર્ષોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ નિવૃત્તિના આરે આવી જશે આથી ટીમ ઇન્ડિયા એક સરળ બદલાવમાંથી પસાર થાય તેવું અઘરું કામ પણ નવા કોચે કરવું પડશે.
જ્યારે પણ કોઈ નવો કોચ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળે છે ત્યારે તેની સાથે સમગ્ર કોચિંગ સ્ટાફ પણ બદલાય છે. જેમકે ફિલ્ડીંગ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીઝીયોથેરાપીસ્ટ વગેરે પણ નવો કોચ પોતાની સાથે લઇ આવે છે.
એક અન્ય વસ્તુ પર પણ BCCIએ ચિંતન કરવું પડશે. અમુક વર્ષો સુધી ટીમને વિદેશી કોચ જ કોચિંગ આપતા હતા પરંતુ રાહુલ દ્રવિડ અને તે પહેલાં રવિ શાસ્ત્રીએ એ સાબિત કરી બતાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાને કોઈ ભૂતપૂર્વ ઇન્ડિયન ખેલાડી પણ સારી રીતે કોચિંગ આપી શકે છે. આથી જોવાનું એ રહેશે કે આવનારા કોચના ઇન્ટરવ્યુમાં કોનું પલ્લું ભારે રહેશે ભારતીય કોચનું કે વિદેશી કોચનું.