શિનોરના ભદારી ગામમાં ચાર કિશોરો નદીમાં ન્હાવા જતાં તણાયા, 15 કલાકથી શોધખોળ ચાલુ
વડોદરાઃ (Vadodara news) જિલ્લાના ભદારી ગામના 6 કિશોર દિવેર નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા.આ 6 કિશોરમાંથી 4 કિશોરો નદીમાં ન્હાવા પડ્યા હતા અને બે કિશોરને તરતા આવડતું ન હોવાથી તેઓ નદી કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ન્હવા પડેલા 4 યુવાન નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા, જેમાં 1 કિશોર તરીને બહાર આવી ગયો હતો અને અન્ય 3 નદીના ધસમસતા વહેણમાં તણાઈ ગયા હતા. 15 કલાકથી ચાલી રહેલી શોધખોળ છતાં ત્રણે કિશોરોનો પત્તો ન મળતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા આજે સવારે વડોદરા ફાયર બ્રિગેડની એક ટીમ દિવેર જવા માટે રવાના થઇ હતી.
નર્મદા નદીમાં નહાવા ગયેલા 4 કિશોરો તણાવા લાગ્યા
શિનોર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડાએ મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામ છ કિશોરોએ એક-બીજાનો સંપર્ક કરીને દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી કિનારે પહોંચ્યા હતા. 6 કિશોરો પૈકી કિશન વસાવા, અક્ષય વસાવા, સોહિલ વસાવા અને અનિલ વસાવા નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. જ્યારે સુભાષ પાટણવાડીયા અને વિશાલ વસાવાને તરતા આવડતું ન હોવાથી તેઓ ન્હવા ગયા ન હતા અને નદી કિનારે ઉભા રહી ફોટોગ્રાફી કરી રહ્યા હતા. જોત જોતામાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 4 કિશોરો તણાવા લાગ્યા હતા. જોકે અનિલ વસાવા તરીને કિનારા ઉપર આવી ગયો હતો, પરંતુ કિશન, અક્ષય અને સોહિલ નદીના ધસમસતા વહેણમાં લાપતા થઇ ગયા હતા.
વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી
દરમિયાન શિનોર પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ અંગેની જાણ કરજણ ફાયર બ્રિગેડને કરતા લશ્કરો દોડી આવ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે સાંજે 5 વાગ્યા અરસામાં આ ઘટના બની હતી. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા મંગળવારે સાંજે 5 વાગ્યાથી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ મોડી રાત સુધી તેઓનો પત્તો મળ્યો ન હતો. પુનઃ આજે સવારથી કરજણ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સવારે 10 વાગ્યા સુધી કોઇ પત્તો મળ્યો ન હતો. આથી આ અંગે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડની એક ટીમ દિવેર ખાતે રવાના થઇ હતી અને તેઓએ શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં ફટાકડા ફોડતા બાળકને કાર ચાલકે કચડ્યો, ચમત્કારિક બચાવ