ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

રાહુલ દ્રવિડ પછી કોણ?: ટીમ ઇન્ડિયાના નવા કોચ માટેની અટકળો શરુ

Text To Speech

15 મે, મુંબઈ: ટીમ ઇન્ડિયાના નવા કોચ માટેની શોધ શરુ થઇ ગઈ છે. આવતા મહિનાના અંતમાં હાલના કોચ રાહુલ દ્રવિડની મુદત પૂરી થાય છે. દ્રવિડ ફરીથી કોચ બનવા માટે અરજી કરી શકે છે તેમ થોડા દિવસ અગાઉ BCCIના સેક્રેટરી જય શાહે મીડિયાને કહ્યું હતું. પરંતુ હાલ પૂરતું તો એવું લાગતું નથી કે રાહુલ દ્રવિડ ફરીથી અરજી કરે.

આમ જુલાઈ મહિનાની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાના નવા કોચ દ્વારા પોતાનો કાર્યભાર સાંભળી લેવાની શક્યતાઓ વધી ગઈ છે. જો કે રાહુલ દ્રવિડ પછી કોણ એ સવાલના જવાબમાં અટકળો પણ શરુ થઇ ગઈ છે. આ અટકળો મીડિયા અને સોશિયલ મીડિયા બંનેમાં જોરશોરથી ચાલી રહી છે.

પરંતુ આ માટેનો પહેલો પ્રશ્ન એ છે કે શું રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ એમ બે સતત ભારતીય કોચ બાદ BCCI ફરીથી ભારતીય કોચને જ લાવવા માંગે છે કે પછી તેને ફરીથી કોઈ વિદેશી કોચ લાવવાની ઈચ્છા થઇ છે? આ પ્રશ્નના જવાબમાં એવા સમાચાર આવ્યા છે કે BCCIએ ટીમ ઇન્ડિયાના સિનિયર્સ જેમકે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે આ બાબતે ચર્ચા કરી છે.

ભારતીય ટીમના આગામી કોચ માટે 13મી મે ના દિવસે BCCI દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. ત્યારબાદ અત્યાર સુધી અનેક દેશી અને વિદેશી નામો આ પદ માટે રસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

જો વિદેશી કોચની વાત કરીએ તો BCCIને હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગમાં વધુ રસ છે. ફ્લેમિંગ ઉપરાંત પૂર્વ મહાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને કેપ્ટન તથા હાલમાં દિલ્હી કેપિટલ્સના કોચ એવા રિકી પોન્ટિંગ પણ BCCIને ગમતા વિદેશી કોચની યાદીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી પણ આ રેસમાં સામેલ છે.

જો ભારતીય કોચની વાત કરીએ તો KKRના મેન્ટર ગૌતમ ગંભીર, પૂર્વ ઓપનીંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ અને હાલમાં બેંગલુરુમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન અને ઇન્ડિયા Aના કોચ વીવીએસ લક્ષ્મણના નામ પણ સાંભળવામાં આવી રહ્યા છે. રાહુલ દ્રવિડ પણ ટીમ ઇન્ડિયાના કોચ બન્યા અગાઉ નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન જ  હતા.

અમુક લોકો લખનૌ સુપર જાયન્ટ્સ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ જસ્ટિન લેંગરને પણ આઉટ સાઈડ ચાન્સ આપી રહ્યા છે.

Back to top button