કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઉપલેટામાં પૂરમાં ફસાયેલા પરીક્ષાર્થીઓને SDRFએ બચાવ્યા, હવે પૂરક પરીક્ષા લેવાશે

Text To Speech

રાજકોટ, 01 જુલાઈ 2024, ઉ૫લેટા તાલુકા અને આજુબાજુ વિસ્તારોમાં રવિવારે રાતે ધોધમાર વરસાદ વરસતાં લાઠ અને ભીમોરા ગામે જવાના પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આ ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. જેના પગલે કોલેજના 9 પરીક્ષાર્થી ભીમોરામાં ફસાતાં તાલુકા વહીવટી તંત્રના આદેશથી SDRFની ટીમ ત્યાં પહોંચી હતી અને સલામત રીતે પુલ પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. બાદમાં પરીક્ષા ન આપી શકતા વિદ્યાર્થીઓની 15 દિવસ બાદ પૂરક પરીક્ષા લેવડાવવામાં આવશે એવો નિર્ણય લેવાયો હતો.

તંત્રએ સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગતરાતે ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી લાઠ અને ભીમોરા ગામનો સંપર્ક, વાહન-વ્યવહાર પૂરના પાણીથી કપાયો હતો. આજે સવારે આ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્રએ સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો અને ગામની સ્થિતિ જાણી હતી. જેમાં લાઠ-ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામેથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજીયન છાત્રો અટવાયા હોવાની માહિતી સામે આવી હતી. ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણીએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ધોરાજી પ્રાંત અધિકારી જે.એન. લિખિયાનો સંપર્ક કરી ઉ૫રોકત વિગતોથી અવગત કર્યા હતા.

પરીક્ષા કેન્દ્ર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી
ત્યારબાદ આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ ૫રીક્ષાથી વંચિત ન રહે તથા તેમનું ભવિષ્ય બગડે નહીં તેવા હેતુથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ, ધોરાજી પ્રાંત અધિકારીએ ધોરાજી ખાતે એસ.ડી.આર.એફ.ને તાત્કાલિક ઉ૫લેટા તાલુકાના લાઠ-ભીમોરા ગામે રવાના કરાવી હતી. એસ.ડી.આર.એફ.ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થીઓને પૂરના પાણી પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત લાઠ ગામના ત્રણ વિદ્યાર્થી વરસાદી પાણીના કારણે ૫રીક્ષાથી વંચિત રહ્યાની જાણ થતાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને ધોરાજી પ્રાંત અધિકારી જે.એન. લિખિયાએ આ છાત્રોનું ભવિષ્ય બગડે નહીં તે માટે આગામી 15 દિવસ પછી પૂરક ૫રીક્ષા લેવડાવવાની વ્યવસ્થા કરાવી હતી.

આ પણ વાંચોઃગુજરાતમાં ભારે વરસાદને કારણે 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ

Back to top button