ટ્રેન્ડિંગનેશનલ

SCO ના મંચ પરથી નામ લીધા વગર PM મોદીનો પાકિસ્તાન પર હુમલો

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 4 જુલાઈના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની શિખર બેઠકનું આયોજન કર્યું હતું. રશિયા અને ચીન સહિત SCO સભ્ય દેશોએ વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સમયે દુનિયા વિવાદ, તણાવ અને મહામારીથી ઘેરાયેલી છે, આવી સ્થિતિમાં આપણે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે SCOમાં સુધારાની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા.

આતંકવાદીઓને આશ્રયઃ પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો છે. આ પડકારને પહોંચી વળવા માટે નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે. આતંકવાદ કોઈપણ સ્વરૂપમાં હોય, આપણે તેની સામે સાથે મળીને લડવું પડશે. કેટલાક દેશો તેમની નીતિઓના સાધન તરીકે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરે છે. આતંકવાદીઓને આશ્રય આપે છે. એસસીઓએ આવા દેશોની ટીકા કરતા અચકાવું જોઈએ નહીં.

અફઘાનિસ્તાન વિશે વાત કરીઃ પીએમ મોદીએ તમામ સભ્ય દેશોને અફઘાનિસ્તાન અંગે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, અફઘાનિસ્તાનની પરિસ્થિતિની સીધી અસર આપણા બધા (દેશોની) સુરક્ષા પર પડે છે. અફઘાનિસ્તાન અંગે ભારતની ચિંતાઓ અને અપેક્ષાઓ મોટાભાગના SCO સભ્ય દેશો જેવી જ છે. અફઘાનિસ્તાનના લોકોના કલ્યાણ માટે આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે. તે મહત્વનું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાડોશી દેશોમાં અશાંતિ ફેલાવવા અથવા ઉગ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે ન થવો જોઈએ.

પાંચ સ્તંભોની સ્થાપનાઃ પીએમ મોદીએ કહ્યું કે, ભારતે SCO અંતર્ગત સહકારના પાંચ સ્તંભોની સ્થાપના કરી છેઃ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન, પરંપરાગત દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશ અને સહિયારી બૌદ્ધ વારસો. છેલ્લા બે દાયકામાં, SCO સમગ્ર યુરેશિયા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ભારતની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક અને આ પ્રદેશ સાથે લોકો વચ્ચેના સંબંધો આપણા સહિયારા વારસાનો જીવંત સાક્ષી છે.
Back to top button