રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને રાજ્ય સરકાર ચિંતિત બની છે જે અંતર્ગત તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12માં ઓછુ પરિણામ લાવનારી શાળાઓ પર કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરવામા આવી છે. જાણકારી મુજબ રાજ્યમાં ઓછુ પરિણામ આપનારી શાળાઓ પર કાર્યવાહી કરવામા આવશે.
ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. રાજ્ય સરકાર આવી શાળોઓમાં તવાઈ બોલાવશે. એટલુજ નહી પરંતુ ઝીરો રિઝલ્ટ આપનારી સ્વ નિર્ભર શાળાઓ બંધ પણ કરવામા આવી શકે છે. જાણકારી મુજબ જે ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે તેની ગ્રાન્ટમાં પણ કાપવામાં આવશે.
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સમીક્ષા કરાશે
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઝીરો પરિણામ વાળી સરકારી શાળાઓના શિક્ષકો ઉપર પગલાં ભરવામા આવી શકે છે. આ તમામ કાર્યવાહીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. અને સમીક્ષા બાદ આગામી દિવસોમાં આ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે.
આ વર્ષે ધોરણ 10 અને 12નું પરિણામ ઓછુ આવ્યું
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓછુ પરિણામ આવ્યું હોય તેવી શાળાઓ બાબતે તપાસ કરવામાં આવી હતી જેમાં શાળામાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે આ પરિણામ ઓછું આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. મહત્વનું છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે. આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27 અને વિજ્ઞાન પ્રવાહમાં 49 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે.
આ પણ વાંચો : PM મોદી ડિગ્રી કેસ: અરવિંદ કેજરીવાલને 26 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા આદેશ