અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સ્કૂલવાન ચાલકોની હડતાળનો અંત, આ રીતે CNG કીટની સીટ પર બાળકોને બેસાડી શકાશે

Text To Speech

અમદાવાદ, 19 જૂન 2024, ગુજરાતમાં સ્કૂલ વર્ધીના વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા હતાં. આજે બીજા દિવસે પણ હડતાળ ચાલુ હોવાથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં.આ અંગે અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિયેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. RTO અને વર્ધી એસોસિયેશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે.

સેફ્ટીના સાધનો અને પરવાનગી સાથે બાળકો બેસાડી શકાશે
સ્કૂલ વર્ધી એસોસિયેશન સાથે બેઠક બાદ RTO જે.જે.પટેલે જણાવ્યું હતું કે, બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. 45 દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. રોજની 200 થી 250 ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ જારી જ રહેશે, મંજૂરી વગરની ગાડીમાં ઘટના બને તો વાહનચાલક જવાબદાર રહેશે. સ્કૂલ વાનમાં CNGની ટાંકી પર બાળકોને બેસાડવાને લઈ અત્યાર સુધી મૂંઝવણ હતી.હવે તેની પણ સ્પષ્ટતા થઈ ગઈ છે. કંપની ફિટેડ CNGમાં CNG કીટ પરની સીટ પર બાળકોને બેસાડી શકાશે. જ્યારે કંપની ફિટિંગ ન હોય એવી CNG કિટ પર સેફ્ટીના સાધનો અને પરવાનગી સાથે બાળકો બેસાડી શકાશે.

ટેક્સી પાસિંગના રૂ. 30,000નો ખર્ચ છે
વાહનચાલકોએ કહ્યું હતું કે,ટેક્સી પાસિંગના રૂ. 30,000નો ખર્ચ છે અને એક સ્કૂલવાન ચાલક પર 7 વ્યક્તિઓનો જીવન નિર્વાહ ચાલે છે. છેલ્લા 3 દિવસમાં 20 સ્કૂલ વાન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે.જે દંડ અમે ભરી શકીએ તેમ નથી. વાલીઓ પણ અમને વિનંતી કરે છે કે, સ્કૂલ વાન શરૂ કરી દેવામાં આવે. અમે પણ અમારું કામ શરૂ કરી દેવા માટે તૈયાર છીએ. પરંતુ RTO કચેરી દ્વારા કડક દંડ ફટકારવામાં આવે છે જે અમને મંજૂર નથી.અમારે જીવવું કે મરી જવું? તે સમજાતું નથી.

આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં સ્કૂલવાન ચાલકોએ આવેદનપત્ર આપ્યું

Back to top button