એજ્યુકેશન
રાજકોટમાં શાળાના વિદ્યાર્થીઓએ બનાવી અનાજ, કઠોળ, સાડી અને બાઉલમાંથી 200 સ્કવેર ફૂટની રાખડી
આવતીકાલે ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થવાની છે ત્યારે આજે રાજકોટમાં ટાગોર રોડ ઉપર આવેલી વિરાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ અનાજ, કઠોળ, સાડી અને બાઉલનો ઉપયોગ કરી 200 સ્કવેર ફૂટની રાખડી બનાવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
દરવર્ષે અલગ અલગ પ્રકારે બનાવે રાખડી, દરેક વસ્તુઓનું કરશે દાન
વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓમાંથી જમ્બો રાખડી તૈયાર કરી છે. જેમાં તેઓએ 425 કિલોગ્રામ ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, ચોળી, તુવેરદાળ, મૈસુરદાળ, મગદાળ જેવા અનાજ અને કઠોળ પોતાના ઘરેથી લાવ્યા હતા બાદમાં અહીંયા તેની રાખડી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમાં વિદ્યાર્થીઓ દ્વારા 800 જેટલા બાઉલ અને સાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સારી બાબત તો એ છે કે આ રાખડીમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ ચીજવસ્તુ યુનિક વિકલાંગ ટ્રસ્ટના માધ્યમથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવશે. સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘જોય ઓફ શેરિંગ’ અંતર્ગત પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.