અમદાવાદ, 13 ઓગસ્ટ 2024, ચોમાસાની સિઝનમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં અનેક જાહેર સ્થળો પર મચ્છરના બ્રિડિંગ મળી આવતાં AMC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કેટલીક સ્કૂલોને નોટીસ આપીને દંડ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત એક સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. સ્કૂલો દ્વારા પણ હવે વાલીઓને મેસેજ કરીને બાળકોને લાંબી સ્લીવ વાળા કપડાં પહેરાવી સ્કૂલે મોકલવા જણાવ્યું છે.
બોપલની એક સ્કૂલને સીલ પણ કરવામાં આવી
અમદાવાદમાં રોગચાળો વધતા AMC દ્વારા સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં જ મોટાભાગે ચેકિંગ દરમિયાન 54 સ્કૂલોમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. મચ્છરના બ્રીડિંગ મળતા સ્કૂલોની નોટિસ આપવામાં આવી હતી. સ્કૂલોની 1 હજારથી 25 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બોપલની એક સ્કૂલને સીલ પણ કરવામાં આવી છે.
બાળકો રોગચાળાનો ભોગ ના બને તે માટે કાર્યવાહી
સ્કૂલો સામે કાર્યવાહી થતાં અને બાળકો રોગચાળાનો ભોગ ના બને તે માટે હવે સ્કૂલોએ પણ વાલીઓ માટે મેસેજ જાહેર કર્યો છે. શહેરની પશ્ચિમ વિસ્તારની સ્કૂલો વાલીઓને મેસેજ કરીને જણાવ્યું છે કે,અત્યારે ચાલી રહેલી વરસાદની સ્થિતિ અને મચ્છરજન્ય રોગોને લઈને વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં ફુલ સ્લીવના શર્ટ અને બાળકીઓને ફૂલ લેગીસ પહેરાવીને સ્કૂલે મોકલવા જેથી બાળકોને મચ્છર ના કરડે અને બીમાર ના પડે.
આ પણ વાંચોઃઅમદાવાદીઓ ધ્યાન રાખજો! આજે બપોર પછી શહેરના આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ