સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશ અપાશે : અમદાવાદ DEO એ જાહેર કર્યો પરિપત્ર
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ છોડી દેવાના રેશિયામાં ઘટાડો થાય તેવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને પરિપત્ર મોકલી જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને પરત સ્કુલમાં લાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવા આદેશ કર્યો છે.
એક અઠવાડિયામાં સર્વે પૂર્ણ કરવાનો રહેશે
રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે. કોઈ કારણોસર બાળકો સ્કૂલ છોડી દેતા હોય છે જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. જે વિદ્યાર્થીઓની ઉમંર 15થી 18 વર્ષની છે અને કોઇ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને શોધવાની કામગીરી સોંપવામા આવી છે. એક સપ્તાહમાં આચાર્યએ પોતાના વિસ્તારમાં સર્વે કરીને આવા બાળકોને શોધવાના છે.
સક્ષમ વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરાશે
આ પરિપત્ર મુજબ આચાર્યો જે વિદ્યાર્થીઓને શોધી લાવે છે તેનું પ્રથમ તો કાઉન્સિલિંગ કરવામા આવશે અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ સ્કુલમાં જવા માટે સક્ષમ હશે તેવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. તે પૈકી જે વિદ્યાર્થીઓની ઉંમર વધુ હશે તેવા વિદ્યાર્થીઓને પ્રાથમિક અભ્યાસ કારવાયા બાદ ઓપન સ્કૂલના માધ્યમથી પરિક્ષા અપાવવામાં આવશે.