નર્મદા ચોકડી નજીક સાંજે ST બસમાં આગ લાગતા ‘ધ બર્નિંગ બસ’ના દૃશ્યો સર્જાયા
ભરૂચઃ નર્મદા ચોકડી નજીક શુક્રવારે સાંજે ST બસ અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. બસ ડીઝલ પુરાવવા જઇ રહી હોય અને કોઈ મુસાફર અંદર સવાર ન હોવાથી સદનશીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જો કે જોતજોતામાં સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
ભરૂચની નર્મદા ચોકડી નજીક સરકારી એસટી બસ શુક્રવારે સમી સાંજે એકાએક સળગી ઊઠતા હાઇવે ઉપર ભયનો માહોલ ફેલાયો હતો. એસટી બસમાં ધુમાડા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી જવા પામી હતી. એસ.ટીમાં સવાર ડ્રાઇવર જીવ બચાવી બસમાંથી ઉતરી ગયો હતો.
ભરૂચ વિભાગીય કચેરી ભોલાવમાં જ ડીઝલ પંપ આવેલો છે. પહેલા બધી બસમાં અહીંથી ટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઇ રહી હતી. બસમાં કોઈ પણ મુસાફર સવાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાહેર માર્ગ ઉપરથી પસાર થતી એસટી બસમાં ભયંકર આગથી અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવે તે પહેલા જ બસ ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જિલ્લા ટ્રાફિક પોલીસ, હાઇવે અને એસટી તંત્રે સળગી ઉઠેલી બસને રસ્તા પરથી હટાવી વાહન વ્યવહાર દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.