કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં સૂચિત મિલ્કતને રેગ્યૂલેટ કરવાનું કૌભાંડ ઝડપાયું

Text To Speech

રાજકોટ શહેરમાં લોકોની સૂચિત મિલ્કતને રેગ્યૂલેટ કરવા માટે જંત્રીના નાણાં ચલણથી બેંકમાં જમા કરાવવાના બદલે બોગસ સહિ અને સિક્કા કરી છેતરપીંડી આચરતા બે શખ્સોને શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડપી લઇ રૂ.9.24 લાખની રોકડ કબ્જે કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા શખ્સો પૈકી એક આરોપી મામલતદાર(પૂર્વ)ની કચેરીમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જ્યારે કે બીજો આરોપી આ કચેરીમાં અગાઉ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

જમીન મકાન લે વેંચ કરતા યુવકે નોંધાવી ફરિયાદ

મળતી માહિતી મુજબ રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચમાં ગત તા.17ના રોજ કુવાડવા રોડ પટેલ નગર 1માં આવેલ શેરી નં.2માં રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામ કરતા મનીષ ખોડાભાઇ રાઠોડ(ઉ.વ.38)એ વિવેક ઘનશ્યામ રાઠોડ(ઉ.વ.25) અને અલ્પેશ મોહન ગડીયલ(ઉ.વ.37) સામે છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં મનીષભાઇએ જણાવ્યું હતું કે, તેઓ જમીન-મકાન લે-વેચનું કામ કરતા હોય અને હાલમાં રાજકોટ શહેરમાં અનેક એવી મિલ્કત આવેલી છે જે સૂચિત હોય પરંતુ તેના જંત્રી મુજબના નાણાં ભરી દેવામાં આવે તો સરકાર દ્વારા તેને રેગ્યૂલેટ કરી દેવામાં આવે છે.

પૂર્વ મામલતદાર કચેરી ખાતે અલ્પેશ ગડીયલ અને વિવેક રાઠોડ સાથે થયો હતો સંપર્ક

આ અંગે કેટલીક મિલ્કતોને રેગ્યૂલેટ કરવા માટે તેઓ અવાર નવાર શહેરની જુદી જુદી મામલતદાર કચેરીમાં જતાં હોય તે પૈકી પૂર્વ મામલતદાર કચેરી ખાતે તેનો સંપર્ક અલ્પેશ ગડીયલ અને વિવેક રાઠોડ સાથે થયો હતો. આ બન્ને શખ્સો દ્વારા તેઓને કોઇપણ મુશ્કેલી વગર જંત્રીના નાણાં બેંકમાં ભરાવી આપવા તેમજ તેનું ચલણ કચેરીમાં આવ્યા બાદ સરળતાથી મિલ્કત રેગ્યૂલેટ કરી આપવામાં આવશે તેવો વિશ્ર્વાસ અપાવી તેમનું કામ રાખવામાં આવતું હતું. દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી મનીષભાઇ પોતાનું મિલ્કત રેગ્યૂલેટ કરવાનું કામ આ બન્ને વ્યકિતઓને સોંપતા હતા.

મનીષભાઈ અને મિત્રોએ મિલ્કતો રેગ્યુલેટ કરવા 6 લાખથી વધુ રોકડ આપી

જેમાં ગત તા.13-9ના રોજ આરોપી અલ્પેશ અને વિવેકને મનીષભાઇએ તેમની સાથે જમીન-મકાન લે-વેચનું કામ કરતા મિત્રોની કેટલીક મિલ્કતો રેગ્યૂલેટ કરવાનું કામ આપ્યું હતું જે અંગે તેઓને અનુક્રમે રૂ. 2.17 લાખ, રૂ. 1.70 લાખ અને રૂ.1.73 લાખ આપ્યા હતા જે રકમ બેંકમાં જમા કરાવી દેવામાં આવી હોવાનું આરોપીઓએ બહુમાળી ભવન એસબીઆઇ બેંકનું ચલણ આપી દીધું હતું જે ચલણ તેઓએ મામલતદાર કચેરીમાં જમા કરાવી દીધા બાદ ટ્રેજરી ઓફિસમાં નાણાં ભરાઇ ગયા છે કે કેમ તેનો વેરિફીકેશન પત્ર મોકલવાનું હોય તે પણ પોતે લઇ તેમાં બોગસ રબ્બર સ્ટેમ્પના આધારે વેરીફાઇના સિક્કા મારી મામલતદાર કચેરીમાં તેને મોકલી આપી જે-તે પાર્ટીને સનદ અને પ્રોપર્ટીકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવ્યું હતું જેથી આ અંગે તેઓએ તપાસ કરતા આવી કોઇ પણ પ્રકારની પ્રોપર્ટી રેગ્યૂલેટ થઇ ન હોવાનું અને પોતે આપેલા રૂ. ચાઉં થઇ ગયા હોવાનું જાણવા મળતા પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે પોલીસને જાણ કરી હતી.

ક્રાઈમબ્રાન્ચની ટીમે બંનેને બહુમાળી ભવનમાંથી ઝડપી લીધા

આ છેતરપીંડી અંગે શહેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવતો હોય ત્યારે ક્રાઇમબ્રાન્ચના પીએસઆઇ એ.બી.વોરા અને પીએસઆઇ પી.ડી.ઝાલા અને ટીમને હકિકત મળી હતી કે, આરોપી અલ્પેશ અને આરોપી વિવેક બહુમાળી ભવન એસબીઆઇ કચેરી પાસે ઉભા રહી મિલ્કત રેગ્યૂલેટ કરવાનું કૌભાંડ આચરી રહ્યા છે જે હકિકતના આધારે સ્ટાફે બહુમાળી ભવન પાસેથી આ બન્ને શખ્સોને દબોચી લઇ તપાસ દરમ્યાન તેમની પાસેથી રૂ. 9,24,500ની રોકડ, એસબીઆઇ બેંકનો રબ્બર સ્ટેમ્પ, ટ્રેજરી ઓફિસ રાજકોટનો રબ્બર સ્ટેમ્પ તથા નાણાં ભરવા માટે બનાવટી ચલણ કબ્જે કર્યા હતા. આ બન્ને શખ્સોની પૂછપરછમાં તેઓએ સૂચિત મિલ્કતને રેગ્યૂલેટ કરવાનું કૌભાંડ આચરતા હોવાની કબૂલાત આપતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Back to top button