પોરબંદરના રાણાવાવમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, 1 કરોડનો માલ હજમ કરી જવાયો
પોરબંદરના રાણાવાવ બાયપાસ રોડ પર આવેલ પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉન તેમજ વનાણા ટોલનાકા નજીક ચમના ગોડાઉનમાં રાખેલ ઘંઉ, ચોખા, ખાંડ અને તુવેરદાળ સહિતનો 1 કરોડના જથ્થાને સગેવગે કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ ઓડીટ દરમિયાન સામે આવ્યું હતું. વર્ષ 2020થી 2023ના સમયગાળા દરમિયાન અનાજના જથ્થાની ઉચાપત થયાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ ગાંધીનગરથી ટીમો આવતા સઘન તપાસ હાથ ધરવામા આવ્યા બાદ તપાસના અંતે ગોડાઉનને સીલ કરી દેવામા આવ્યુ હતું.
12 શખસો સામે નોંધવાઈ ફરિયાદ
આ સમગ્ર પ્રકરણમાં પોરબંદરના ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈ દ્વારા 12 શખ્સોને 2 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ 12 શખ્સો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે. અનાજ કૌભાંડ મામલે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 406,409 સહિતી વિવિધ કલમો તેમજ આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અંગે પોરબંદર જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
કોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
રાણાવાવના આ અનાજ કૌભાંડ મામલે નાયબ જિલ્લા મેનેજર ઉષા ભોય અને ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અશ્વિન ભોંયે તેમજ પોરબંદર જિલ્લા ભાજપના આગેવાન અને પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ પોરબંદર જિલ્લામાં પુરવઠાના ટ્રાન્સપોર્ટ તેમજ મેનપાવર સપ્લાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતા હાથિયા દુદા ખુંટી, પ્રશાંત શશીકાંત મારૂ,કોમ્પ્યુટર ઓપરેટર, લખમણ કારાવદરા, DSD કોન્ટ્રાક્ટર પ્રતિનીધી, રાહુલ લખમણ કારાવદરા, DSD કોન્ટ્રાક્ટર પ્રતિનીધી, હસુભાઇ-ઘઉંના વેપારી, પોરબંદર, જગદિશ લખમણ ઝીંઝુવાડીયા, રાણાવાવ, S.A.D.P & CO. ના પ્રોપરાઈટર ઓડીટર, રાજકોટ, પરેશ કોટેચા, સાવન કન્ટ્રકશનના પ્રોપરાઈટર, જામનગર, પરીક્ષીત વ્યાસ, પી.એમ.લોજીસ્ટીકસના પ્રોપરાઈટર, ગોંડલ, કેવલ સુરેશ ભુંડીયા, પી.એમ.લોજીસ્ટીકસના પ્રતિનિધી, રાણાવાવ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.