ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયુ નકલી ડિગ્રી અને માર્કશીટનાં આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ
- શૈક્ષણીક સંસ્થાઓની બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મળ્યા
- 90 બનાવટી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા
- પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી
આણંદ જિલ્લાનાં વલ્લભવિદ્યાનગરમાં એસઓજી પોલીસે છાપો મારી એસ.પી સ્ટડી પ્લાનર એલએલપી ઓવરસીઝમાંથી જુદી જુદી યુનિવર્સીટીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે નકલી ડીગ્રીનાં આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતનો દરિયો કિનારો માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર, ફરી ચરસના 19 પેકેટ મળ્યા
શૈક્ષણીક સંસ્થાઓની બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મળ્યા
આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વલ્લભવિદ્યાનગરમાં ક્રિષ્ના સફલ કોમ્પલેક્ષનાં ચોથા માળેઆવેલા એસ.પી પ્લાનર એલએલપી ઓવરસીઝમાં વિદેશ જવા ઈચ્છુકોને નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટનાં આધારે વિદેશની યુનિવર્સીટીમાં પ્રવેશ અપાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે બાતમીનાં આધારે એસઓજી પોલીસે છાપો મારી ઓવરસીજની ઓફીસની તલાસી લેતા ઓફીસમાંથી અલગ અલગ રાજ્યની અલગ અલગ સરકારી શૈક્ષણીક સંસ્થાઓની બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મળ્યા હતા.
કુલ નંગ 90 બનાવટી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા
આરોપીઓ પાસેથી ન્યુ દિલ્હી સ્કૂલ બોર્ડના 10 , સરદાર પટેલ યુનિવર્સિટીના 34, મહારાષ્ટ્ર બોર્ડના 06, એમ.પી.સી. કોલેજ અમરાવતી, મહારાષ્ટ્રના 02, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, લોનેરે, મહારાષ્ટ્રના 09, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના 13, પંજબ બોર્ડના 03, હરિયાણા બોર્ડના 05, કુરૂક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા 06, હરિયાણા સ્ટેટ બોર્ડના 01, સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કૂલ, યમુનાનગર, દિલ્હીના 01 મળી કુલ નંગ 90 બનાવટી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા હતા.
આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને વિદેશ મોકલ્યા છે,તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસે ઓવરસીઝનાં સંચાલક અમદાવાદનાં સિદ્ધિક શાહની ધરપકડ કરી હતી. પોલીસે ઓફીસમાંથી એક લેપટોપ કિંમત 50 હજાર રૂપિયા તેમજ બે મોબાઇલ ફોન કિંમત 45 હજાર મળી મળી કુલ 95 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલા આરોપી સિદ્ધિક શાહની પોલીસે પુછપરછ કરતા તે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા ઈચ્છુકોને બે લાખ રૂપિયા લઈ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હતો તેમજ આ માર્કશીટ અને સર્ટિફિકેટ તે અમદાવાદનાં ભાવિન પટેલ અને વડોદરાનાં મેહુલ રાજપુત પાસે બનાવડાવતો હતો અને તે પેટે તે નકલી માર્કસીટ સર્ટિફિકેટનાં 50 થી 60 હજાર ચુકવતો હતો અને નકલી માર્કશીટ સર્ટિફિકેટનાં આધારે તે વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવી વિઝા અપાવની લાખો રૂપિયા લઈને વિદેશ મોકલી આપતો હતો જેથી આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને વિદેશ મોકલ્યા છે,તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.