સુરતમાં પોપ્યુલર બિલ્ડરના સંબંધીઓએ કરોડોની ઠગાઈ આચરી છે. જેમાં ફરિયાદીની બોગસ સહીઓ કરીને બારોબાર પ્લોટો બનાવી વેચાણ કરી કરોડો રૂપિયા ચાંઉં કરી ગયા હતા. તેમાં સુરત પોલીસ કમિશનર સહિત રાજયના પોલીસ વડાને લેખિત ફરિયાદો મળી છે.
મહેન્દ્ર પટેલની આજ દિન સુધી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી
સુરતના વેસુ-ભરથાણામાં આવેલી કરોડો રૂપિયાની જમીન પોપ્યુલર બિલ્ડર નટુ પટેલના સગા સાળા અને કોંગ્રેસના નેતા પંકજ હાથીભાઈ પટેલ, રોમિલ પટેલ, માલવ પટેલ સહિત અન્યોએ ભેગા મળીને કરોડો રૂપિયાની ઠગાઈ આચર્યાની લેખિત ફરિયાદ ભોગ બનેલા મહેન્દ્ર બી. પટેલએ સુરત પોલીસ કમિશનર સહિત રાજયના પોલીસ વડાને લેખિત ફરિયાદો કરી હતી. આમ છતાં આ જમીનમાં ભોગ બનેલા મહેન્દ્ર પટેલની આજ દિન સુધી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી. બીજી તરફ આ જમીનમાં ભોગ બનેલા સાધનાબેન દિપકભાઈ શાહે સેટેલાઈટ પોલીસ મથકમાં કરતા પોલીસને ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી છે.
પંકજ હાથીભાઈ પટેલે એસબીઆઈ બેંકમાંથી આશરે રૂ.19 કરોડની લોન લીધી
બોડકદેવમાં રહેતા મહેન્દ્ર પટેલે રોમીલ પટેલ, પંકજ પટેલ, માલવ પટેલ સહિત અન્યો સામે કરેલી લેખિત ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ક્રિષ્ણા ડેવલોપર્સ નામે ગત તા. 21-1-2016ના રોજ મૃગેશ પંકજ ગજ્જરને ભાગીદારીમાં સામેલ કર્યા હતા. આ પહેલા પંકજ હાથીભાઈ પટેલે એસબીઆઈ બેંકમાંથી આશરે રૂ.19 કરોડની લોન લીધી હતી. આ લોનના નાણાં ભરવા માટે મહેન્દ્ર બી. પટેલ અને મૃગેશ ગજ્જરએ એસબીઆઈ બેંકમાં લોનના તમામ નાણાં ભરી દીધા હતા. આ પછી ક્રીષ્ણા ડેવલોપર્સના મહેન્દ્ર પટેલ અને મૃગેશ ગજ્જરના નામે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રર સેલ ડીડ એસબીઆઈ બેંકે કરી આપ્યુ હતુ.
છ પ્લોટોના દસ્તાવેજો સરકારે કસ્ટડીમાં લઈ લીધા હતા
સુરતના વેસુ-ભરથાણામાં આવેલી કરોડો રૂપિયાની જમીનના એસબીઆઈ બેંકમાં નાણાં ભરાઈ જતા પંકજ હાથીભાઈ પટેલ તેના બે પુત્રો સહિતનાએ ભેગા મળીને ફરિયાદીની જાણ બહાર ગત તા.20-7-2018ના રોજ ખોટા બનાવટી ભાગીદારી દસ્તાવેજો બનાવીને મૃગેશ ગજ્જરને ક્રીશ્ના ડેવલોપર્સમાંથી નિવૃત્ત કરીને રોમીલ પંકજ પટેલને નવા ભાગીદાર પેઢીમાં દાખલ કર્યા હતા. જેમાં ફરિયાદીની કોઈ જગ્યાએ સહી કરી નહી હોવા છતાં ખોટા દસ્તાવેજો બનાવીને ફરિયાદીની સહીઓ કરી બનાવટી દસ્તાવેજો બનાવી દીધા હતા. ત્યારબાદ રોમીલ પંકજ પટેલએ ગત તા.17-8-2018ના રોજ સુરેશ પ્રેમજીભાઈ હીરપરાને ભાગીદારી પેઢીમાં ખોટી રીતે સામેલ કરીને મહેન્દ્ર બી. પટેલને છુટા કર્યા હતા. જે બાબતે મહેન્દ્ર બી. પટેલની કોઈ સહીઓ લેવામાં આવી નહોતી અને તેમને જાણ પણ કરવામાં આવી નહોતી. સુરત કોર્પોરેશન દ્વારા 8 પ્લોટોના નકશા મજૂર થતાની સાથે રોમીલ પટેલ, તેના ભાઈ માલવ પટેલ અને રાજેશ દૂધવાળાના નામે છ પ્લોટોના દસ્તાવેજો કરી દીધા હતા. જેની જાણ મહેન્દ્ર બી.પટેલને થતા તેમને સરકારના મહેસૂલ વિભાગ સુધી રજૂઆતો કરીને પોતાની સાથે ફ્રોડ કરવામાં આવ્યાની લેખિત ફરિયાદો કરી હતી. જેના પગલે છ પ્લોટોના દસ્તાવેજો સરકારે કસ્ટડીમાં લઈ લીધા હતા.
પંકજ હાથીભાઈ પટેલ સહિત સામે સુરત કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવી જોઈએ
આમ છતાં ચીટર કંપની પંકજ હાથીભાઈ પટેલ અને મૃગેશ ગજ્જરએ 13 પ્લોટોનો ખોટો નકશો બનાવીને બારોબાર પ્લોટ નંબર 2 અને 9ના રજિસ્ટ્રર બાનાખત કરીને મોટી રકમ હડપ કરી લીધી છે. જેથી ભોગ બનેલા મહેન્દ્ર બી.પટેલએ સુરત પોલીસ કમિશનર, સુરતના કલેકટર અને રાજય પોલીસ વડાને લેખિત ફરિયાદો કરીને લોકોની સાથે ઠગાઈ આચનાર પંકજ હાથીભાઈ પટેલ અને તેમની સાથે સામેલ તત્વોને જેલ ભેગા કરવા માંગણી કરી હતી. એસબીઆઈ બેંકમાં પંકજ હાથીભાઈ પટેલની લોનના નાણાં ભરપાઈ કરતા એસબીઆઈ બેંકએ ફરિયાદી મહેન્દ્ર પટેલ સહિત અન્યના નામે રજિસ્ટર વેચાણ દસ્તાવેજો કરી આપ્યા હતા. આ પછી પંકજ હાથીભાઈ પટેલ, તેમના બે પુત્રો અને સુરેશ પ્રેમજી હીરપરાએ ભેગા મળીને સમગ્ર કૌભાંડ આચર્યુ છે. આમ છતાં ફરિયાદી સુરત, અમદાવાદ, ગાંધીનગર પોલીસમાં ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે જમીન હડપ કરીને ગેરકાયદેસર બાંધકામ કરી રહેલા પંકજ હાથીભાઈ પટેલ સહિત સામે સુરત કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવી જોઈએ.