ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કલમ 370 નાબૂદી યોગ્ય, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કાશ્મીરમાં ચૂંટણી યોજવા SCનો નિર્દેશ

  • સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યું
  • 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા ચૂંટણીપંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે શું બંધારણની કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાનો કેન્દ્રનો 5 ઓગસ્ટ 2019નો નિર્ણય બંધારણીય રીતે માન્ય હતો. અનેક દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

30 સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા ચૂંટણીપંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યા બાદ ચૂંટણીપંચને નિર્દેશ કર્યો છે કે આગામી 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવામાં આવે.

કોર્ટે શું કહ્યું ?

મુખ્ય પ્રશ્નો પર, CJIએ કહ્યું, અમે તે સમયગાળા દરમિયાન રાજ્યમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન અંગે કોઈ નિર્ણય લીધો નથી. પરિસ્થિતિ અનુસાર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે કલમ 356 હેઠળ સત્તા છે. તેને પડકારી શકાય નહીં, બંધારણીય સ્થિતિ એ છે કે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય સરકારની જગ્યાએ કેન્દ્ર નિર્ણય લઈ શકે છે.

ઓગસ્ટમાં શરૂ થયેલી 16 દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ અને દુષ્યંત દવે સહિતના વરિષ્ઠ વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કેસની સુનાવણી 2 ઓગસ્ટથી શરૂ થઈ હતી. ત્યાર બાદ આજે 11 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

  • આજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના કેન્દ્ર સરકારના પગલાંને પણ યોગ્ય ઠેરવ્યું છે.

આજનો આ ઐતિહાસિક ચુકાદો પાંચ જજની બેન્ચે આપ્યો હતો. તે પૈકી ન્યાયમૂર્તિ કૌલે પોતાનો ચુકાદો જાહેર કરતા કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ક્યારેક સરકાર દ્વારા તેમજ બિનસરકારી તત્વો દ્વારા માનવ અધિકાર ભંગના આક્ષેપ થતા રહ્યા છે અને તેની તપાસ માટે સમિતિની રચના થવી જોઇએ.

આ પણ વાંચો: કલમ 370 નાબૂદી: 5 ઓગસ્ટ 2019થી 11 ડિસેમ્બર, 2023

Back to top button