SC કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાની સમીક્ષા કરશે, 1 મેના રોજ થશે સુનાવણી
નવી દિલ્હી, 29 એપ્રિલ: કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારતી સમીક્ષા અરજી પર 1 મેના રોજ વિચારણા કરવામાં આવશે. તે દિવસે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કેસની ફરી સુનાવણી થવી જોઈએ કે નહીં. 11 ડિસેમ્બર, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે જમ્મુ- કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. CJI DY ચંદ્રચુડે ચુકાદામાં કહ્યું હતું કે, જમ્મુ -કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતમાં જોડાયા પછી તેણે સાર્વભૌમત્વનું તત્વ જાળવી રાખ્યું નથી. આવી સ્થિતિમાં તેના માટે કોઈ ખાસ જોગવાઈઓ કરી શકાતી નથી.
CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેંચે કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે અને તે વચગાળાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંક્રમણના હેતુ માટે રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે આ કામચલાઉ હેતુ માટે હતું. આ એક અસ્થાયી જોગવાઈ છે અને આ રીતે તેને બંધારણના ભાગ 21માં મૂકવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની આ બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં ત્રણ અલગ-અલગ ચુકાદા લખવામાં આવ્યા હતા, પરંતુ તમામ ન્યાયાધીશો એક નિષ્કર્ષ પર સહમત હતા. નોંધનીય છે કે ઓગસ્ટ 2019માં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને રદ કરી દીધી હતી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી હતી.
આ પણ વાંચો: કલમ 370 નાબૂદી: 5 ઓગસ્ટ 2019થી 11 ડિસેમ્બર, 2023