ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન બદલ SCએ ઉદયનિધિ સ્ટાલિનને લગાવી ફટકાર

  • તમે સામાન્ય માણસ નથી, તમને ખ્યાલ પણ છે તમે શું નિવેદન આપી રહ્યા છો?: SC

નવી દિલ્હી, 4 માર્ચ: સનાતન ધર્મ પર વિવાદસ્પદ ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી છે. સર્વોચ્ચ અદાલતે પૂછ્યું કે, તેઓ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો દુરુપયોગ કર્યા પછી પોતાની અરજી લઈને કેમ સર્વોચ્ચ અદાલતમાં આવ્યા? “તમે સામાન્ય માણસ નથી, તમને ખ્યાલ પણ છે તમે શું નિવેદન આપી રહ્યા છો?” જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે સ્ટાલિનને કહ્યું કે, તેઓ એક મંત્રી છે અને તેમને તેમની ટિપ્પણીનાં પરિણામોની જાણ હોવી જોઈએ.

 

ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વિવિધ જગ્યા કેસ દાખલ

ઉદયનિધિ સ્ટાલિને સુપ્રીમ કોર્ટને માંગ કરી છે કે, તેઓ દેશભરમાં તેમની વિરુદ્ધ દાખલ થયેલા કેસોને ક્લબ કરે. સ્ટાલિન વિરુદ્ધ બેંગલુરુ, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુમાં કેસ નોંધાયેલા છે. આ કેસ પર બેંચે કહ્યું કે, “તમે બંધારણની કલમ 19(1)(a) હેઠળ તમારા અધિકારોનો દુરુપયોગ કર્યો છે. તમે કલમ 25 હેઠળના તમારા અધિકારનો દુરુપયોગ કર્યો છે, હવે તમે કલમ 32 (સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા) હેઠળ તમારા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે તમારી ટિપ્પણીનાં પરિણામો જાણતા ન હતા? તમે સામાન્ય માણસ નથી. તમે મંત્રી છો. તમને ખબર હોવી જોઈએ કે આવી ટિપ્પણીઓનું શું પરિણામ આવશે.

સુનાવણી 15 માર્ચ સુધી સ્થગિત રાખવામાં આવી

સ્ટાલિન વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, “તેઓ નોંધાયેલા કેસના ગુણદોષ પર ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ આનાથી FIRને ક્લબ કરવાની માંગને અસર થવી જોઈએ નહીં.” સિંઘવીએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશોને ટાંકીને કહ્યું કે, “ફોજદારી કેસોમાં અધિકારક્ષેત્ર નક્કી હોવું જોઈએ.” એડવોકેટ સિંઘવીએ વધુમાં કહ્યું કે, “બેંગ્લોર, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુમાં કેસ નોંધાયેલા છે.” કોર્ટે આ કેસની સુનાવણી 15 માર્ચ સુધી મુલતવી રાખી છે.

‘સનાતન ધર્મ’ની સરખામણી કોરોના વાયરસ સાથે કરી હતી!

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ‘સનાતન ધર્મ’ની તુલના કોરોના વાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી અને કહ્યું હતું કે, આવી બાબતોનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.’

આ પણ જુઓ: નોટ ફૉર વોટઃ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહુઆ મોઇત્રાની જેમ અન્ય MP-MLA સંકટમાં? શું છે ચુકાદો?

Back to top button