સંદેશખલી કેસમાં મમતા સરકારને SCનો આંચકો: CBI તપાસ ચાલુ રહેશે
- સુપ્રીમ કોર્ટે રાશન કૌભાંડ, જાતીય સતામણી અને જમીન હડપ કરવાના મામલામાં કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી
નવી દિલ્હી, 8 જુલાઇ: સંદેશખલી કેસમાં પશ્ચિમ બંગાળ સરકારને આજે સોમવારે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાશન કૌભાંડ, જાતીય સતામણી અને જમીન હડપ કરવાના મામલામાં કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 42 કેસ CBIને ટ્રાન્સફર કરવાના હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.
હકીકતમાં, સંદેશખલી કેસમાં કલકત્તા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા CBI તપાસના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, રાશન કૌભાંડમાં 43 FIR દાખલ કરવામાં આવી છે. રાજકીય કારણોસર આને અતિશયોક્તિ કરવામાં આવી રહી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મમતા સરકારને પૂછ્યું કે રાજ્ય સરકાર શા માટે કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રાશન કૌભાંડમાં 43 FIR દાખલ કરવામાં આવી છે.
Supreme Court rejects West Bengal government’s plea challenging Calcutta High Court order directing CBI investigation into allegations of land grabbing and sexual assault in Sandeshkhali pic.twitter.com/ByDOAJM35p
— ANI (@ANI) July 8, 2024
કલકત્તા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલકત્તા હાઈકોર્ટની ટિપ્પણીથી તપાસ પ્રભાવિત થવી જોઈએ નહીં. હકીકતમાં, આ કેસની સુનાવણી કરતી વખતે, કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને આંચકો આપ્યો હતો અને આ સંદેશખાલી કેસની CBI દ્વારા તપાસ કરવાનો નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે, તપાસની દેખરેખ કલકત્તા હાઈકોર્ટ પોતે કરશે. આ નિર્ણય સામે મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
સંદેશખલી કેસ શું છે?
CBI સંદેશખલીમાં 5 જાન્યુઆરીએ ED અધિકારીઓ પર થયેલા હુમલાની પણ તપાસ કરી રહી છે. રાશન કૌભાંડ કેસમાં TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડો પાડવા આવેલા EDના અધિકારીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. આરોપ છે કે, શાહજહાં શેખના નિર્દેશ પર તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. શાહજહાં અને તેના સહયોગીઓ પર મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. વિવાદ વધતાં TMCએ શાહજહાંને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ જુઓ: હાથરસ કાંડમાં ટ્વિસ્ટ લાવવા નકલી બાબાનો પ્રયાસ, શું કહ્યું જાણો