હોસ્પિટલની ‘બેદરકારી’ના કારણે દર્દીના મૃત્યુના કિસ્સામાં SCએ અરજી ફગાવી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Supreme Court_HD news](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/10/Supreme-Court-1-1.jpg)
- કેસ ઓપરેશન પછી યોગ્ય તબીબી સંભાળના અભાવ અંગેનો
- અપીલકર્તા પાસે કોર્ટમાં રજૂ કરવા કોઈ પુરાવા નહોતા
- કોર્ટે કહ્યું કે ડૉક્ટરના નિદાનમાં કોઈ ભૂલ કે બેદરકારી નથી
સુપ્રીમ કોર્ટે ‘બેદરકારી’ના કારણે દર્દીના મૃત્યુના કેસમાં રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અરજદારે આક્ષેપ કર્યો હતો કે અગ્રણી હોસ્પિટલે દર્દીની સર્જરી પછીની સંભાળમાં બેદરકારી દાખવી હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. અરજદારનો કેસ ઓપરેશન પછી યોગ્ય તબીબી સંભાળના અભાવ અંગેનો હતો. જોકે, કોર્ટે આ નિર્ણય જરૂરી પુરાવા અને હોસ્પિટલના તમામ રેકોર્ડના આધારે આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અપીલકર્તા કલ્યાણી રંજનની અપીલ ફગાવી દીધી હતી. તેમના 37 વર્ષીય પતિ શંકર રંજનનું 6 નવેમ્બર 1998ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમનો આક્ષેપ હતો કે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં મેજર ન્યુરો સર્જરી બાદ ડૉક્ટરોની બેદરકારીને કારણે તેમના પતિનું કથિત રીતે અવસાન થયું હતું. જસ્ટિસ એએસ બોપન્ના અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે દર્દીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે હૃદય સંબંધિત કોઈ સમસ્યાનો કોઈ ઈતિહાસ નથી.
અરજદાર પાસે કોઈ જરૂરી પુરાવા નહોતા
બેન્ચે કહ્યું કે, હોસ્પિટલના રેકોર્ડ મુજબ દર્દીને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ દર્દીને જે હૃદયરોગનો હુમલો આવ્યો હતો તેને ઓપરેશન સાથે કોઈ સંબંધ ન હતો અથવા હોસ્પિટલની બેદરકારીને કારણે તેમના પતિનું મૃત્યુ થયું હતું તે સાબિત કરવા માટે અરજદાર પાસે કોઈ જરૂરી પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે ડૉક્ટરના નિદાનમાં કોઈ ભૂલ કે બેદરકારી નથી. રેકોર્ડમાં દર્શાવ્યા મુજબ, દર્દીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાનો કોઈ ઉલ્લેખ નહોતો, જેના લીધે કાર્ડિયાક સમસ્યાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે કારણ કે દર્દીને ગરદનના ભાગમાં દુખાવો થયો હતો. આમ, સુપ્રીમ કોર્ટ કલ્યાણી રંજનની અપીલ નકારી કાઢી હતી.
આ પણ વાંચો: સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર