નવી દિલ્હી, 2 ડિસેમ્બર : બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારે થોડા મહિના પહેલા જાતિ આધારિત સર્વે કરાવ્યો છે. તેની વિગતો સાર્વજનિક કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને જાતિ સર્વેક્ષણના ‘ડેટા બ્રેકઅપ’ને સાર્વજનિક કરવા જણાવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ થશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
પડકારવા માટે આંકડા હોવા જોઈએ
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ બિહારમાં કરાયેલા જાતિ સર્વેક્ષણના ડેટા લોકોને ઉપલબ્ધ ન કરાવવાથી ચિંતિત છે. જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ સર્વેક્ષણને પડકારવા માંગે છે, તો તેની પાસે સર્વેક્ષણનો ડેટા હોવો જોઈએ.
વચગાળાની રાહત આપવાનો ઇનકાર, ડેટા જાહેર કર્યો
સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અરજદારોને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે, વચગાળાની રાહતનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. હાઈકોર્ટનો આદેશ રાજ્ય સરકારના નિર્ણયની તરફેણમાં છે. ડેટા સાર્વજનિક ડોમેનમાં મૂકવામાં આવ્યો છે. હવે માત્ર બે-ત્રણ પાસાં જ બચ્યા છે. પ્રથમ કાનૂની મુદ્દો છે. બીજો પ્રશ્ન હાઈકોર્ટના નિર્ણયની માન્યતા અંગેનો છે. ત્રીજો પ્રશ્ન સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેની માન્યતા અંગેનો છે.
75 ટકા અનામત આપવા માટે નીતિશ સરકાર ભીંસમાં છે
સર્વોચ્ચ અદાલતમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે, સર્વેના ડેટા સાર્વજનિક થયા બાદ બિહાર સરકારની સત્તાઓએ વચગાળામાં તેનો અમલ શરૂ કરી દીધો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (SC-ST), અન્ય પછાત વર્ગો (OBC), અત્યંત પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) કેટેગરીમાં અનામતને વધારીને કુલ 75 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે માત્ર 50 ટકા હતો.