ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

SCએ NGTને લગાવી ફટકાર, કહ્યું- સ્વચ્છ હવાનો અધિકાર માત્ર દિલ્હીના લોકોને જ નથી

  • ભારે ડ્યુટી ડીઝલ ટ્રેલર ટ્રકોથી થતા પ્રદૂષણ સંબંધિત કેસની SCમાં સુનાવણીની હાથ ધરાઇ
  • બંધારણની કલમ 21 ખાતરી આપે છે કે મૂળભૂત અધિકારો બધા માટે સમાન છે :SC

નવી દિલ્હી, 12 જાન્યુઆરી: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ડ્યુટી ડીઝલ ટ્રેલર ટ્રકોથી થતા પ્રદૂષણ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “સ્વચ્છ હવાનો અધિકાર માત્ર દિલ્હીમાં રહેતા લોકોનો નથી. આના પર અન્ય લોકોનો પણ અધિકાર છે.” હકીકતમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ સૂચન કર્યું છે કે, દિલ્હીના તુગલકાબાદમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) તરફ જતા ટ્રકોને નેશનલ કેપિટલ રિજન (NCR)ની બહારના ICDs તરફ વાળવામાં આવે. જેના પર સુપ્રીમ કોર્ટે NGTને ફટકાર લગાવી છે.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, “ભારતના બંધારણની કલમ 21 ખાતરી આપે છે કે મૂળભૂત અધિકારો બધા માટે સમાન રીતે લાગુ કરવામાં આવ્યા છે અને તે દિલ્હી NCRના લોકો પૂરતા મર્યાદિત નથી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે શું જણાવ્યું ?

ન્યાયમૂર્તિ અભય એસ.ઓકા અને પંકજ મિત્તલની બેન્ચે જણાવ્યું હતું કે, ટ્રકોને અન્ય ICDs તરફ વાળવાનું NGTનું સૂચન અયોગ્ય છે. NGTએ સૂચન કર્યું હતું કે, દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વાહનોને દાદરી, રેવાડી, બલ્લભગઢ, ખાતુવાસ અથવા દિલ્હીની આસપાસના અન્ય કોઈપણ ICD તરફ વાળવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ નિર્દેશ એવું છે કે જાણે માત્ર દિલ્હી NCRમાં રહેતા લોકો જ પ્રદૂષણ મુક્ત વાતાવરણના હકદાર છે, દેશના અન્ય ભાગોમાં રહેતા લોકો નહીં. ભારતના બંધારણની કલમ 21 બાંયધરી આપે છે કે મૂળભૂત અધિકારો બધા માટે સમાન રીતે લાગુ કરવા યોગ્ય છે અને તે દિલ્હી એનસીઆરના લોકો સુધી મર્યાદિત નથી.

આ સમગ્ર મામલો શું છે ?

સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ભૂતપૂર્વ અધિકારીએ તુગલકાબાદ ખાતે ICDમાં આવતી ટ્રકોથી થતા પ્રદૂષણ સામે ફરિયાદ કરીને NGTનો સંપર્ક કર્યો હતો. તેમણે આજીજી કરી હતી કે ડેપોમાં પ્રવેશતા વાહનોને દિલ્હી-એનસીઆરની આસપાસના વિસ્તારોમાં ડાયવર્ટ કરવામાં આવે અને દિલ્હી ન જતી નોન-ઈલેક્ટ્રિક ટ્રક/ટ્રેલર્સ/ટ્રેનોને ડેપોનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવે. NGTએ આવા વાહનોને દાદરી, રેવાડી અને બલ્લભગઢ અથવા ખાટુવાસ (રાજસ્થાન) તરફ વાળવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું. NGTના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2019માં જારી કરી હતી નોટિસ

સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2019માં આ મામલામાં નોટિસ જારી કરી હતી અને ડેપો ઓપરેટરો-વાહન માલિકો સામે કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે ગુરુવારે આપેલા તેના ચુકાદામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયને જરૂરી પાલન માટે પક્ષકાર બનાવ્યો હતો. આ ઉપરાંત, કોર્ટે ઓથોરિટીને ઓછા પ્રદૂષણ કરતા હેવી ડ્યુટી વાહનો (CNG/હાઈબ્રિડ/ઈલેક્ટ્રિક)ની શોધ ચાલુ રાખવા વિનંતી કરી અને નિર્દેશ આપ્યો કે, NCRમાં કન્ટેનર ડેપોમાં વાહનોના પાર્કિંગ અંગે કન્સલ્ટન્સી ફર્મ KPMGની ભલામણો ધ્યાનમાં લેવામાં આવે. જે એક મહિનાની અંદર અમલમાં આવશે.

કેન્દ્રએ છ મહિનામાં ભારે ડીઝલ વાહનોને હટાવવાની નીતિ તૈયાર કરવી જોઈએ

IPCAના અહેવાલ અને ભલામણોની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કેટલાક નિર્દેશો આપ્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે, ભલામણોની તપાસ કર્યા પછી, ભારત સરકાર ભારે ડીઝલ વાહનોને તબક્કાવાર દૂર કરવા અને તેને BSVI વાહનો સાથે બદલવાની નીતિ ઘડશે. સરકાર છ મહિનામાં આ અંગે યોગ્ય નીતિ તૈયાર કરશે. હવે આ મામલામાં સુનાવણી 31 જુલાઈએ થશે.

આ પણ જુઓ :બિલ્કીસ બાનો દોષિતો પાછા જેલમાં જશે, SCએ ગુજરાત સરકારનો નિર્ણય બદલ્યો

Back to top button