એકનાથ શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે કેમ્પની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે એકનાથ કેમ્પ અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. સુપ્રીમે આ અંગે ચૂંટણીપંચના નિર્ણય ઉપર સ્ટે મુકવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
પેટાચૂંટણી માટે નામ અને ચિહ્મ આપવાનો આદેશ કર્યો
મળતી માહિતી મુજબ, ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુનાવણી કરતી વખતે ઠાકરે જૂથને ચિંચવડ અને કસ્બા પેઠ પેટાચૂંટણી માટે ‘શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)’ નામ આપવા કહ્યું હતું તેમજ ‘જલતા મશાલ’ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપી હતી. સુનાવણી દરમિયાન નોટિસ જારી કરીને CJIની અધ્યક્ષતાવાળી બેંચે ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પર વિચાર
આ દરમિયાન બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચનો આદેશ માત્ર ચૂંટણી ચિન્હ પૂરતો જ સીમિત છે. અમે હાલમાં ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવાનો આદેશ પસાર કરી શકીએ નહીં. અમે ઉદ્ધવ કેમ્પ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પર વિચાર કરી રહ્યા છીએ. અમારે બંને પક્ષોની દલીલો સાંભળવી પડશે. દલીલો સાંભળ્યા વિના રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ચૂંટણી પંચના આદેશ પર આધારિત ન હોય તો ઉદ્ધવ ઠાકરે જૂથ કાયદાના અન્ય ઉપાયોને અનુસરી શકે છે.