ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી અધિકારીઓની નિમણૂકના મુદ્દે SC તરફથી કેન્દ્રને રાહત, કાયદા પર સ્ટે આપવા ઈનકાર

Text To Speech
  • અમે આ મામલે દખલ નહીં કરીએ, અરાજકતા ફેલાશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 21 માર્ચ: સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને આજે ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને રાહત આપવામાં આવી છે. ચૂંટણી કમિશનરની નિમણૂક પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, તે આ અંગે વિગતવાર આદેશ પછીથી પસાર કરશે. જો કે, કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર પાસેથી 6 સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

કોર્ટે ઉમેદવારોના ઝડપી શોર્ટલિસ્ટિંગ માટે કેન્દ્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, “પસંદગી સમિતિએ ઝડપ સાથે બે ચૂંટણી કમિશનરની પસંદગી કરી.” સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, “તે ચૂંટાયેલા ચૂંટણી કમિશનરોની યોગ્યતા પર સવાલ નથી ઉઠાવી રહી પરંતુ તે પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહી છે જેના હેઠળ પસંદગી કરવામાં આવી છે. આ સંદર્ભમાં કેન્દ્રને 6 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

કોર્ટે આ મામલે શું ટિપ્પણી કરી?

કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, ચૂંટણી કમિશનરોની પસંદગી સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા હેઠળ કરવામાં આવી છે. અમે વચગાળાના આદેશથી કાયદો અટકાવીશું નહીં. ચૂંટણી વચ્ચે પંચના કામને પ્રભાવિત કરવું યોગ્ય નથી.

મીટિંગની તારીખ બદલવા પર પ્રશ્ન

કોર્ટે એ વાત પર સવાલ ઉઠાવ્યા કે, પસંદગી સમિતિની બેઠક 15 માર્ચમાંથી 14 માર્ચની થઈ હતી. તેમજ બેઠકના થોડા સમય પહેલા વિપક્ષના નેતાના નામો આપવામાં આવ્યા હતા. પસંદગી સમિતિને ચૂંટણી કમિશનરની નિમણૂક પર મન બનાવવા માટે વધુ સમય આપવો જોઈતો હતો. અધિકારીઓની પૃષ્ઠભૂમિને સમજવા માટે પસંદગી સમિતિને યોગ્ય સમય આપવો જોઈએ.

આ પણ જુઓ: નાણાપ્રધાન મળ્યા RBI ગવર્નર અને SEBI ચીફને, એપ્રિલમાં આવશે નવી નાણાકીય નીતિ

Back to top button