જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમ પક્ષને ‘સુપ્રીમ’ ઝટકો, HC ચીફ જસ્ટિસના ફેંસલાને પડકારતી અરજી ફગાવી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે મુસ્લિમ પક્ષને વધુ એકવાર ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી (AIMC)ની અરજીને ફગાવી દીધી છે, જેમાં 2021થી જ્ઞાનવાપી કેસની સુનાવણી કરી રહેલી સિંગલ જજની બેંચમાંથી કેસ પાછો ખેંચવાના અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના વહીવટી નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સિંગલ જજની બેન્ચ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની જગ્યા પર મંદિરના પુનઃસ્થાપનની માંગ કરતી દાવાની જાળવણીને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે મસ્જિદ કમિટિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે આ કેસ ફગાવી દેવામાં આવે છે.
#Gyanvapi Dispute | #SupremeCourt Dismisses Mosque Committee's Challenge To Allahabad HC CJ Transferring Case To Himself From Another Bench | @padmaaa_shr https://t.co/hsB8U5Qbdi
— Live Law (@LiveLawIndia) November 3, 2023
ખંડપીઠે કહ્યું કે, આપણે હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આદેશમાં દખલ ન કરવી જોઈએ… હાઈકોર્ટમાં આ ખૂબ જ પ્રમાણભૂત પ્રથા છે. આ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના કાર્યક્ષેત્રમાં હોવું જોઈએ. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા સિંગલ જજની બેંચમાંથી કેસ પાછો ખેંચી લેવા અને અન્ય બેંચને સોંપવાને પડકાર્યો હતો.
અરજી ફગાવી દેતા પહેલા ચીફ જસ્ટિસે કેસ ટ્રાન્સફર કરવાના કારણો પર ધ્યાનપૂર્વક વિચાર કર્યો અને કહ્યું કે તેઓ તેને ખુલ્લી અદાલતમાં વાંચવા માંગતા નથી. 30 ઓક્ટોબરે અલ્હાબાદ હાઈકોર્ટે AIMCની અરજી પર સુનાવણી 8 નવેમ્બર સુધી ટાળી દીધી હતી.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ કહ્યું હતું કે તેણે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ પૂર્ણ કરી લીધું છે, પરંતુ અહેવાલનો મુસદ્દો તૈયાર કરવા માટે વધુ સમયની જરૂર છે. આ પછી 2 નવેમ્બરે વારાણસીની એક કોર્ટે ASIને 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પહેલા 6 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ સબમિટ કરવાનો હતો.