MBBSમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના પ્રવેશ પર SCનો નિર્ણય, કહ્યું: એડમિશન ન રોકી શકાય
નવી દિલ્હી, 15 ઓકટોબર: દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર 40થી 45 ટકા દિવ્યાંગતા હોવાને કારણે આવા વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશથી વંચિત ન રાખી શકાય. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવામાં કોઈ અડચણ ન થવી જોઈએ.
Disability over 40% no bar to MBBS admission: Supreme Court
Read story here: https://t.co/ZbTGieB7ER pic.twitter.com/8cPJo2xM0I
— Bar and Bench (@barandbench) October 15, 2024
સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં શું કહ્યું?
વર્તમાન નિયમો અનુસાર, 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ દવાનો અભ્યાસ કરી શકતા નથી. આ અંગે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠે એક દિવ્યાંગ વિદ્યાર્થીની અરજી પર આ નિર્ણય આપ્યો છે. ચુકાદામાં બેંચે કહ્યું હતું કે, અદાલતે એ જોવાની જરૂર છે કે શું સમાનતાના અધિકારનું આડકતરી રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે, NMC યોગ્ય ગોઠવણો સાથે સમાવિષ્ટ અભિગમ અપનાવશે. અભિગમ ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાનો ન હોવો જોઈએ.
કોર્ટે આ નિર્દેશો પણ આપ્યા
સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું કે, આ સાથે અમે નિર્દેશ આપવા માટે બંધાયેલા છીએ કે ડિસેબિલિટી એસેસમેન્ટ બોર્ડ દ્વારા માત્ર બેન્ચમાર્ક ડિસેબિલિટીને ધ્યાનમાં લઈને આવા ઉમેદવારોના પ્રવેશમાં કોઈ અડચણ ઊભી કરવામાં નહીં આવે. અમે નિર્દેશ કરીએ છીએ કે, બોર્ડના નિર્ણયો ન્યાયિક નિર્ણય લેતી સંસ્થા પાસે અપીલ યોગ્ય ઠરે. આ કિસ્સામાં, મેડિકલ બોર્ડનો રિપોર્ટ અનુકૂળ છે અને આ પ્રકારની અપીલની મંજૂરી છે. સુપ્રીમ કોર્ટે તેના મહત્ત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ વ્યક્તિને મેડિકલ કોલેજમાં પ્રવેશથી એટલા માટે વંચિત કરી શકાય નહીં કારણ કે તે ભાષા બોલવામાં કે સમજવામાં 40 ટકાથી વધુ અસમર્થતા (દિવ્યાંગતા) ધરાવે છે.
પ્રવેશ નકારી શકાય નહીં: SC
નેશનલ મેડિકલ કાઉન્સિલના વર્તમાન નિયમો અનુસાર, 40 ટકાથી વધુ દિવ્યાંગતાના કિસ્સામાં MBBS કોર્સમાં પ્રવેશ મેળવી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર 40 ટકા દિવ્યાંગતાથી કોઈ પણ વ્યક્તિ MBBSમાં પ્રવેશ માટે અયોગ્ય નહીં રહે. જો Disability assessment board એવા નિષ્કર્ષ પર આવે કે, વ્યક્તિ તેની દિવ્યાંગતાને કારણે તેનો અભ્યાસ પૂર્ણ કરી શકતો નથી, તો જ તેને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે છે.
આ પણ જૂઓ: હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલ મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા ઉપર કોર્ટનો સ્ટે